ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં હનીટ્રેપના અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના કૃણાલભાઈ વિનોદભાઈ અઘારા સાથે બન્યો છે. આ યુવાનને રાજકોટની દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાંથી લોન માટે એક મહિલા ફોન કરતી હતી. જે બાદ શ્યામ રબારી નામના શખ્સે ફોન કરીને કહ્યું હતું કે, મારી પત્ની સાથે કેમ વાત કરે છે. એમ કહીને અપશબ્દો કહ્યાં હતા અને ઘરેથી ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ યુવાન પાસેથી સમાધાન માટે દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જોકે બાદમાં જયદીપ મહેન્દ્રસિંહ જાડેજા અને રવિ દિલીપભાઈ ખટાણા નામના શખ્સોએ સમાધાનની વાત કરીને રૂપિયા દસ લાખ આપવાના હતા તે અમે આપી દીધા છે તેમ કહીને ભોગ બનનાર યુવાન કૃણાલ પાસેથી દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
બંને શખ્સોએ યુવાન પાસેથી રૂપિયાની માંગણી કરતા ફરિયાદી યુવાને પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો જેથી જયદીપ મહેન્દ્રસિંહ જાડેજા અને રવી દીલીપભાઇ ખટાણાએ ફરિયાદીના પિતાના મોબાઇલ ફોન પર ફોન કરી તમારા દિકરાનું સમાધાન કરાવેલ છે તેના દસ લાખ રૂપિયા તમારે આપવા પડશે નહીંતર તમારા દિકરાને ઘરેથી ઉપાડી જઈ મારી નાખશું તેવી ધમકી આપી હતી અને બાદમાં જેતપર ગામે આવેલ તેની દુકાને પણ પહોંચ્યા હતા જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. યુવાનની ફરીયાદના આધારે પોલીસે જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રવી દીલીપભાઇ ખટાણા, મયુર ગોવિંદભાઈ ખટાણા અને બિનલબેન દોશીની ધરપકડ કરી છે જ્યારે હજુ એક આરોપી ફરાર હોય તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


