ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ જિલ્લો ગિરનાર પર્વત અને સાસણ ગીર જેવા ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળો માટે જાણીતો છે. હવે રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢને એક પ્રવાસન હબ તરીકે વિકસાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.
આજ પ્રયાસના ભાગરૂપે, ચોરવાડ બીચ પર વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રૂ. 4.81 કરોડના ખર્ચે આ બીચનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, દધેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલા ચોરવાડ બીચને પુન:વિકસિત કરવા માટે આ એક પાવન અવસર છે. આ પ્રોજેક્ટ હેઠળ બીચ પર પાકા રોડ, સેલ્ફી પોઈન્ટ, પાર્કિંગ લોટ, બેન્ચીસ, અને ટોયલેટ બ્લોક જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાતમુહૂર્ત બાદ આમંત્રિતોના હસ્તે તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ટીવી જગતના જાણીતા કલાકાર મયુરભાઈ વાકાણીએ પ્રતિભાવ આપ્યો હતો, જેમનું શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા શ્રી વિમલભાઈ મીઠાણીએ રજૂ કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોશીએ અને આભારવિધિ કુલદીપભાઈ પાઘડારે કરી હતી.