રૂ. 528 કરોડની ગ્રાન્ટ પૂરા રાજયમાં ફાળવી
રાજકોટને સૌથી વધુ લાભ અપાવતા પૂર્વ મેયર
ત્રણ મુખ્યમંત્રી સાથે કર્યુ કામ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ડો.ધનસુખ ભંડેરીએ ગઇકાલે તેમનું પદ છોડયું છે. બોર્ડના ઇતિહાસમાં સૌથી લાંબી કારકિર્દીનો વિક્રમ કરનાર ધનસુખ ભંડેરીએ આ સમયગાળામાં રાજયની મહાપાલિકાઓ, નગરપાલિકાઓ સહિતના સત્તામંડળોને રૂ. 528.57 કરોડની અધધ ગ્રાન્ટ પહોંચાડી છે.
- Advertisement -
મહાનગરના મેયર પદના કાર્યકાળમાં પણ રાજકોટના વિકાસ માટે નવા દ્વાર ડો.ભંડેરીએ ખોલ્યા હતા. શહેરને અનેક નવા પ્રોજેકટ અને વિકાસ કામોની ભેટ આપનાર પદાધિકારીની ગત તા.1-1-15ના રોજ ફાયનાન્સ બોર્ડના ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ સમયે મુુખ્યમંત્રી પદે શ્રીમતી આનંદીબેન પટેલ હતા. ત્યારબાદ મુખ્યમંત્રી તરીકે રાજકોટના જ પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીએ પદગ્રહણ કર્યુ હતું. આ પૂરી ટર્મમાં ડો. ભંડેરી પદ પર સતત સક્રિય કામગીરી કરતા રહ્યા હતા.
થોડા સમય પહેલા નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઇ પટેલ નિયુકત થયા હતા. આમ ત્રણ-ત્રણ મુખ્યમંત્રી સાથે તેઓએ કામ કર્યુ છે. જે રીતે વિજયભાઇ રૂપાણીએ રાજકોટને સૌથી વધુ લાભ અને યોજના આપ્યા તે જ રીતે ગાંધીનગરથી ડો. ભંડેરી રાજકોટ માટે સતત ગ્રાન્ટ પહોંચાડતા રહ્યા છે. ક્યારેય પણ પૈસાના વાંકે વિકાસનું કોઇ કામ અટકવા દીધું નથી. ગત તા. 1-1-15 થી તા.31-12-2015 ના એક વર્ષમાં તેઓએ રૂપિયા 81.86 કરોડની ગ્રાન્ટ પાલિકા અને મહાપાલિકાઓ માટે રીલીઝ કરી હતી.
ત્યારબાદ 2016 માં તેમણે રૂપિયા 63.85 કરોડ, 2017 માં 74.50 કરોડ, 2018 માં 74.32 કરોડ, 2019 માં 91.30 કરોડ, 2020 માં 65.33 કરોડ અને 2021 માં 77.39 કરોડની વિકાસ ગ્રાન્ટ શહેરોને મોકલી છે. સાત વર્ષના કાર્યકાળમાં રૂ. 528 કરોડની ગ્રાન્ટ ફાળવનાર ધનસુખભાઇ ભંડેરીએ 7 વર્ષ અને 20 દિવસ સુધી આ પદ પર કામ કર્યુ છે. જે કામગીરીની નોંધ માત્ર રાજકોટ નહીં પરંતુ કેન્દ્ર સરકાર કક્ષાએ લેવામાં આવી છે.
- Advertisement -