રાજકોટ – ગ્રામ્ય નળ અને સ્વચ્છતા સમિતિ અંતર્ગત રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ફુલઝર ગામ ખાતે જલ જીવન મિશન (નલ સે જલ) અને અધ્યતન સુવિધાઓથી સુસજ્જ સરકારી માધ્યમિક શાળાનું તથા ગામની આંતરિક પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના વરદ હસ્તે કરવામા આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે પૂર્વ કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રજાલક્ષી કાર્યો સમગ્ર રાજ્યમાં થઈ રહ્યા છે. ગામડાઓમાં પણ શહેર કક્ષાની પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ સહીતની માળખાગત સુવિધાઓ મળે તે માટે સંખ્યાબંધ કાર્યો અમલમાં છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ વધુમાં વધુ લોકોએ લેવો જોઈએ.
બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ગામને પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી મળે તે માટેની નવી પાઇપલાઇન, સમ્પ બનાવવા સહિતના તમામ કામો રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે થઈ રહ્યા છે. દરેક ગામના દરેક ઘરને ‘‘નલ સે જલ’’ યોજના હેઠળ નળ આપવામાં આવી રહ્યા છે. ગામડાઓની પાણી સમિતિમાં વધુને વધુ મહિલા સભ્યો બને તો તેવી પાણી સમિતિને પાણી પુરવઠા વિભાગ દ્વારા પ્રોત્સાહક સહાય પણ કરવામાં આવે છે. રૂ ૩ કરોડના ખર્ચે નવી અધ્યતન સુવિધાઓથી સુસજ્જ સરકારી માધ્યમિક શાળા શરૂ થતા બાળકોને ઘરઆંગણે શિક્ષણ મળી રહેશે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનિય છે કે, રૂ. ૫૦ લાખના ખર્ચે સાકાર થનારી આ યોજનાનો ગામની ૨૪૭૧ જેટલી વસ્તી તથા ૪૨૮ ઘરોને સીધો લાભ પ્રાપ્ત થશે. જે અન્વયે ૫ લાખ જેટલો લોકફાળો એકત્રીત કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ૩૮૪ જેટલા નળ કનેક્શન આપવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારની રાઈઝીંગ લાઈન, ઘર કનેક્શન, ૩ પંપરૂમ, પંપીંગ મશીનરી, લાઈટ કનેક્શન સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
આ પ્રસંગે ગામના સરપંચ કાળુભાઈ ડેરવાળીયા, સભ્ય ઓ રામુબેન ઝાપડીયા, અમૃતભાઈ પરમાર, વલ્લભભાઈ રોજાસરા, અરવિંદભાઈ પરમાર, મંજુબેન સરવૈયા સહિતના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.