અધ્યાપન સેવાના 26 વર્ષ પૂર્ણ કરી અનેક સિદ્ધિઓ હાંસલ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અને અધ્યાપક અગ્રણી પ્રો. જયદીપસિંહ ડોડિયાને તેમની યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની શિક્ષણ સેવાના 26 વર્ષ પૂરા થતા યુનિવર્સિટીના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ પ્રોફે. ડો.ઉત્પલ જોશી, રામકૃષ્ણ મિશન રાજકોટના પ્રમુખ સ્વામી નિખિલેશ્વરાનંદજી, પૂર્વ કુલપતિ પ્રોફે. ડો.કમલેશ જોશીપુરા, પૂર્વ કુલપતિ પ્રોફે.ડો. પ્રતાપસિંહ ચૌહાણ અને કુલસચિવ ડો. રમેશ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં સન્માનપત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
1998માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની કારકિર્દી શરુ કરનાર પ્રો. જયદીપસિંહ ડોડિયા સેનેટ સભ્ય, સીન્ડીકેટ સભ્ય તેમજ વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વર્ષ 2013માં તત્કાલીન કુલપતિ ડો. મહેન્દ્રભાઈ પાડલીયા લંડનના પ્રવાસે ગયા ત્યારે ગુજરાતનાં તત્કાલીન રાજ્યપાલ ડો. કમલા બેનીવાલે કાર્યકારી કુલપતિ તરીકે પ્રો. ડોડિયાની નિમણૂંક કરી હતી. પ્રો.જયદીપસિંહ ડોડિયાનો વર્ષ 2013 માં કાર્યકારી કુલપતિ તરીકેનો ખૂબ જ અલ્પ સમય પોતાની કુનેહ અને કાર્યદક્ષતા કારણે ગુજરાત રાજ્યનું શિક્ષણ જગત લાંબા સમય સુધી યાદ રાખે તેવો યશશ્વી રહ્યો હતો.
- Advertisement -
વર્ષ 2012 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી એવી આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને અધર ધેન ડીન એમ બંને પદે અધ્યાપક સમાજના ઉત્કર્ષ માટે પોતે કરેલી સેવાને કારણે ચૂંટાઈને પ્રો. જયદીપસિંહ ડોડિયાએ વિક્રમ સર્જયો હતો. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીના પ્રમુખપદે સતત ત્રણ વખત બિનહરીફ ચૂંટાયાં છે. ઉપરાંત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓ. હાઉસિંગ સોસાયટીના પણ પ્રમુખની જવાબદારી છેલ્લા દસ વરસથી નિભાવી રહ્યાં છે. અંગ્રેજી ભવનનાં અધ્યક્ષ તરીકેના તેના ત્રણ વર્ષનાં કાર્યકાળમાં અંગ્રેજી વિષયના માર્ગદર્શકો સાથે સતત પરામર્શ કરી, પીએચ. ડી. પ્રવેશ ઈચ્છતો અંગ્રેજીનો એક પણ તેજસ્વી વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તે દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી હતી. તેઓની સતત સક્રિયતાને કારણે તેઓ નજીકના ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક ચૂંટણી જંગમાં એકલા હાથે લડી તોતિંગ બહુમતીથી વિજેતા જાહેર થયા છે. પ્રો. જયદીપસિંહ ડોડિયાને તેમના અભિવાદન બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશી, પૂર્વ કુલપતિ પ્રોફે. કમલેશ જોષીપુરા, પૂર્વ કુલપતિ પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણ, પૂર્વ ઉપકુલપતિ ડો. કલ્પકભાઈ ત્રિવેદી, સિઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અજયભાઈ જોષી, ઉદ્યોગપતિ અભયસિંહ ડોડિયા સહીત તમામે શુભેચ્છાઓ પાઠવી છે.



