ઉપલા દાતારના મહંત ભીમબાપુએ પરંપરા જાળવી મતદાર યાદીનું ફોર્મ ભર્યું
મહંત માટે ખાસ મતદાન મથક ઊભું થશે તો ભારતીય લોકશાહીનો ઇતિહાસ સર્જાશે
- Advertisement -
50 વર્ષથી આસન નથી છોડ્યું, મહંતે મતદાર યાદીમાં નામ નોંધાવી નાગરિક ધર્મ નિભાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢની પવિત્ર ભૂમિ અને તેની વિરલ ધાર્મિક પરંપરાઓનો વધુ એક જીવંત દાખલો તાજેતરમાં સામે આવ્યો છે. અહીં ગિરનાર પર્વતમાળામાં સાડા ત્રણ હજાર પગથિયાં ચડીને આવેલી સુપ્રસિદ્ધ ઉપલા દાતારની જગ્યાના મહંત શ્રી ભીમબાપુએ ભારત સરકારના ચૂંટણી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સક્રિય ભાગીદારી દર્શાવી છે. મહંતશ્રીને ચૂંટણી પંચ દ્વારા જે ફોર્મ રજૂ કરવામાં આવ્યું તે ફોર્મ તેમણે વિગતવાર ભરી અને ચૂંટણી પંચને પરત કર્યું હતું. જોકે, દાતારની જગ્યાના મહંતોની એક ઉજળી અને અખંડ પરંપરા રહી છે કે તેઓ કદી જગ્યા છોડીને નીચે શહેરમાં આવતા નથી. આ પરંપરાનો 50-55 વર્ષનો ઇતિહાસ છે અને આ કારણે જ તેમને ’આસનસિદ્ધ મહંત’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પૂરા ભારતવર્ષમાં બહુ એવી ઓછી જગ્યા હશે કે ત્યાંના મહંતોની આ પ્રકારની પ્રણાલીઓ હશે. જગ્યાના બે બ્રહ્મલીન મહંતોમાં પૂજ્ય પટેલ બાપુ છેલ્લા 50-55 વર્ષથી અહીંયા સેવા આપતા હતા અને છેલ્લે વિઠ્ઠલ બાપુ પણ દાતારની જગ્યાના મહંત તરીકે કાર્યરત હતા. હવે વર્તમાન મહંત ભીમ બાપુ પણ છેલ્લા 25-30 વર્ષથી જગ્યા છોડી અને કોઈ દિવસ નીચે નથી આવ્યા એ એમની પરંપરા રહી છે. ગઈકાલે ઉપલા દાતારની જગ્યાના મહંત ભીમ બાપુએ પોતાનું ચૂંટણી પંચ દ્વારા રજૂ કરાયેલું ફોર્મ વિગતવાર ભરી અને ચૂંટણી પંચ જૂનાગઢને રજૂ કર્યું હતું અને બાપુએ એવો આગ્રહ રાખ્યો હતો કે “હું મતદાન કરવા ઉત્સુક છું, પણ અમારી પરંપરાના કારણે હું જગ્યા છોડી અને કોઈ દિવસ નીચે નથી આવતો. તો જો ચૂંટણી પંચ અહીંયા મારા માટે મતદાન કરાવવાની વ્યવસ્થા કરે તો હું હોંશે હોંશે મતદાન કરવા માટે ઉત્સુક છું. આમ મહંત શ્રી ભીમબાપુએ પોતાની ધાર્મિક પરંપરાનું સન્માન કરીને પણ દેશની લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ અને ઉત્સાહ વ્યક્ત કર્યો છે, જે અન્ય મતદારો માટે એક પ્રેરણારૂપ સંદેશ છે.
લોકશાહી માટેનો ઉત્સાહ: મતદાન માટે ચૂંટણી પંચને ખાસ આગ્રહ
ફોર્મ પરત કરતી વખતે મહંત ભીમબાપુએ એક સવિનય આગ્રહ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો હતો, જે તેમના લોકશાહી પ્રત્યેના અસાધારણ ઉત્સાહને દર્શાવે છે. મહંતશ્રીએ જણાવ્યું હતું કે, હું મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સુક છું અને દેશના દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ તેવું હું માનું છું. જોકે, અમારી દાતારની જગ્યાની અખંડ પરંપરાના કારણે હું આસન છોડીને કોઈ દિવસ નીચે શહેરમાં આવતો નથી. તેમણે ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે, જો ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા કરીને દાતારની ટેકરી ઉપર, આ જગ્યા ખાતે મારા માટે મતદાન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે, તો હું હોંશે હોંશે અને ગૌરવ સાથે મતદાન કરવા માટે ઉત્સુક છું. મહંત ભીમબાપુની આ વાત લોકશાહીના મૂલ્યો અને ધાર્મિક પરંપરાના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
- Advertisement -
ચૂંટણી પંચ સમક્ષ પડકાર અને તક
ભીમબાપુનો આ આગ્રહ જૂનાગઢ ચૂંટણી પંચ સમક્ષ એક પડકારની સાથે એક અનોખી તક પણ લઈને આવ્યો છે. ભારતીય ચૂંટણી પંચ ’નો વોટર લેફ્ટ બિહાઇન્ડ’ (કોઈ મતદાર બાકી ન રહે)ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. અગાઉ પણ પંચ દ્વારા દૂર વિસ્તારોમાં, વૃદ્ધો માટે ઘરે જ, અથવા જંગલ વિસ્તારમાં આવેલ બાણેજ જગ્યા ખાતે એક જ મતદાર માટે બૂથ ઊભા કરવાના કિસ્સાઓ નોંધાયા છે. હવે જૂનાગઢ ચૂંટણી પંચ આ ’આસનસિદ્ધ’ મહંતની ધાર્મિક પરંપરાનું સન્માન કરીને, સાડા ત્રણ હજાર પગથિયાં ઉપર આવેલા તેમના આસન સુધી મતદાનની સુવિધા પહોંચાડી શકે છે કે કેમ, તે જોવું રહ્યું. જો આવું થશે તો તે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક વિરલ ઘટના બની રહેશે. આ સમગ્ર ઘટનાક્રમ સૂચવે છે કે, ભલે વ્યક્તિગત આસ્થા કે પરંપરા ગમે તેટલી પ્રબળ હોય, પરંતુ દેશના કાયદા અને લોકશાહી પ્રત્યેની ફરજનું સન્માન સર્વોપરી છે. ઉપલા દાતારના મહંતે માત્ર ફોર્મ ભરીને જ નહીં, પરંતુ મતદાન માટે ઉત્સુકતા વ્યક્ત કરીને યુવા પેઢીને એક મોટો સંદેશ આપ્યો છે.



