બનાસકાંઠાનાં શખ્સે સોંદરડામાં દારૂ ઉતાર્યો: બે શખ્સની અટક કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
કેશોદનાં સોંદરડામાં એસએમસીની ટીમે દરોડો પાડી રૂપિયા 28.50 લાખનો દારૂનું જથ્થો પડકી પાડ્યો હતો. બનાસકાંઠાનાં શખ્સે દારૂ ઉતાર્યાનું સામે આવ્યું છે. પોલીસે બે શખ્સને અટક કરી છે. બનાવની મળતી વિગત મુજબ એસએમસીનાં પીએસઆઇવી.એન.ચૌધરીએ મળેલી ચોક્કસ બાતમીનાં આધારે કેશોદનાં સોંદરડા જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડી ત્યાંથી અંગ્રેજી દારૂની 6,796 બોટલ કબજે કરી હતી. જેની કિંમત રૂપિયા 28.50 લાખ ગણવામાં આવી છે. ગોડાઉનમાંથી રાજસ્થાનના ઝાલોર જિલ્લાનાં સોગારામ રત્નારામ બીશ્ર્નોઇ અને મનોહરલાલ ચુનીલાલ બીશ્ર્નોઇ મળી આવતા બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને આરોપીઓનાં બે મોબાઇલ ફોન, ત્રણ વાહનો અને રૂપિયા 60 હજારની કિંમતનો કોલસો મળી કુલ રૂપિયા 41.46 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જે ગોડાઉનમાંથી દારૂનો જથ્થો મળ્યો છે તે બનાસકાંઠાના યોગેશે ભાડે રાખ્યો હતો. સ્થાનીક શખ્સની પણ સંડોવણી હોવાની શંકા છે.
- Advertisement -
યોગેશ ઉપરાંત જુદા જુદા વાહનોનાં ચાલકોને વોન્ટેડ આરોપીઓ તરીકે દર્શાવાયા છે. સુત્રધાર યોગેશ પકડાયા બાદ દારૂનો જથ્થો કયાંથી મંગાવ્યો હતો, અત્યાર સુધી કેટલો દારૂનો જથ્થો વેંચી નાખ્યો તે બાબતે ખુલાસા થશે. એસએમસીની આ કાર્યવાહીના પગલે કેશોદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. 10 લાખથી વધુ કિંમતનો દારૂ જો બીજી કોઇ એજન્સી પકડે તો સ્થાનીક પોલીસ સામે પગલા લેવાય છે.