રૂ.1.45 કરોડના વિદેશી દારૂ સહિત કુલ 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
- Advertisement -
સાયલા પંથકમાં એક મહિનામાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાઈ ચૂક્યો છે ત્યારે આ વખતે સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી દ્વારા વિદેશી દારૂ ભરેલા એલ.પી.જી ટેંક સાથે ચાલકને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે અમદાવાદ – રાજકોટ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ટ્રકમાં ભરીને લઈ જવાતો હોવાની બાતમીને આધારે એલ.સી.બી ઈનચાર્જ પીઆઇ ભાવેશભાઈ સિંગરખીયા, પીએસઆઇ જે.વાય.પઠાણ, પ્રતાપસિંહ રાઠોડ, પરીક્ષિતસિંહ સહિતનાઓ દ્વારા સાયલા તાલુકાના વખતપર ગામના પાટિયા નજીક વોચ ગોઠવી ઊભા હોય તેવા સમયે ખોટી નંબર પ્લેટ લગાવેલા એન એલ 01 એલ 9171 (આર જે 19 જી સી 8336) નંબર વાળું એક એલ.પી.જી ગેસનું ટેન્કર નીકળતા તેને અટકાવી ટેન્કરમાં તપાસ કરતા અંદર જુદા જુદા બ્રાન્ડના નાની મોટી વિદેશી દારૂની બોટલ નંગ 14,820 કિંમત 1,45,62,000/- રૂપિયાની મળી આવી હતી જેથી ટેન્કર ચાલક થાનારામ દુર્ગારામ જાટ રહે: બાડમેર, રાજસ્થાન વાળાને ઝડપી લઇ તેની પાસેથી એક મોબાઇલ કિંમત દશ હજાર, રોકડ 20 હજાર રૂપિયા તથા એલ.પી.જી ગેસનું ટેન્કર કિંમત 20 લાખ રૂપિયા એમ કુલ મળી 1,65,92,000/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ઝડપાયેલ ટેન્કર ચાલકની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂ મોકલનાર મુકેશ દેવશી રહે: સાચોર, વિદેશી દારૂ ભરેલ ટ્રક આપી જનાર બે અજાણ્યા ઈસમો, દારૂ મંગાવનાર મુન્દ્રા ગામનો ઇશમ તથા ગેસ ટેન્કરના માલિક સહિત પાંચ ઈસમો પર ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.