ઇંધણ માટે 21 હજાર કરોડ ચૂકવવા પડશે, ખાનગી વાહનોને ઇંધણ બંધ
ખાસ-ખબર સંવાદદાતા
શ્રીલંકાનું અર્થતંત્ર ડામાડોળ છે ત્યારે અહીં ફ્યૂઅલનું સંકટ પણ દિવસે ને દિવસે બેકાબુ થઈ રહ્યું છે. શ્રીલંકાએ જુલાઈ-ઓગસ્ટમાં પેટ્રોલ-ડીઝલ ખરીદી માટે 58.7 કરોડ ડોલર એટલે કે આશરે 21,126 કરોડ શ્રીલંકન રૂપિયા જેવી ભારે રકમ ઓઈલ કંપનીઓને ચૂકવવાની છે.
- Advertisement -
શ્રીલંકાના ઊર્જા મંત્રી કંચના વિજેસેકરાએ રવિવારે આ વાત કરી હતી. જોકે, અમને આશા છે કે, એકાદ સપ્તાહમાં ઇંધણની અછત નહીં રહે. આ મહિને ડીઝલના ત્રણ ક્ધટેઈનર સહિત અન્ય ઇંધણની પણ ચાર ક્ધટેઈનર આવવાની શક્યતા છે. ડીઝલની ખેપ 8-9 જુલાઈ, 11-14 જુલાઈ અને 15,17 જુલાઈએ શ્રીલંકા પહોંચશે. શ્રીલંકા સરકાર રશિયા પાસેથી ઓછા દરે ઓઈલ ખરીદવાના વિકલ્પો પણ વિચારી રહી છે.
શ્રીલંકન મીડિયાના અહેવાલો પ્રમાણે, શ્રીલંકાની સરકારી સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન પાસે 14,141 મેટ્રિક ટન પેટ્રોલ અને 12,774 મેટ્રિક ટન ડીઝલ બચ્યું છે, જે બહુ ઝડપથી ખતમ થઈ જશે. ઈંધણની અછતના કારણે શિક્ષણ મંત્રાલયે આગામી ચાર સપ્તાહ ચાર જુલાઈથી આઠ જુલાઈ સુધી તમામ સરકારી અને માન્યતા પ્રાપ્ત ખાનગી સ્કૂલો માટે રજા જાહેર કરી છે. સંસદનું સત્ર પણ ચારના બદલે ત્રણ દિવસનું કરાયું છે. ગયા સપ્તાહે સરકારી ઇંધણ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશને ખાનગી વાહનોને ઇંધણ આપવાનું બંધ કરી દીધું હતું.