આજે બંધારણ દિવસ છે, ત્યારે જણાવી દઈએ કે બંધારણને બનાવવામાં 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો. તેનો મુસદ્દો તૈયાર કરવામાં ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને કારણે તેમને બંધારણના નિર્માતા કહેવામાં આવે છે.
આજે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને બંધારણના મહત્ત્વની પણ યાદ અપાવે છે. ત્યારે જણાવી દઈએ કે ડૉ.ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવે છે, પરંતુ તેમને આ નામ એમ જ નથી મળ્યું. તેની પાછળ પણ એક વાર્તા છે. દેશને આઝાદી મળ્યા પછી, ભારતનું નવું બંધારણ તૈયાર કરવા માટે 29 ઓગસ્ટ, 1947ના રોજ એક ડ્રાફટિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. તેમાં 7 સભ્યો હતા અને ડૉ.આંબેડકરને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમની જવાબદારી બંધારણનો લેખિત ડ્રાફ્ટ રજૂ કરવાની હતી. બંધારણને બનાવવામાં 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો. ભારતીય બંધારણ પર હસ્તાક્ષર કરનાર બંધારણ સભાના 284 સભ્યોમાં 15 મહિલાઓ પણ સામેલ હતી.
- Advertisement -
બંધારણ ઘડવામાં ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા ભજવવામાં આવેલી મહત્ત્વની ભૂમિકાને કારણે, તેમને ‘બંધારણના નિર્માતા’ કહેવામાં આવ્યા. બંધારણના ડ્રાફ્ટને તૈયાર કરવામાં એક લાંબો સમય લાગ્યો, એ પછી ભારતનું બંધારણ તૈયાર થયું. ભલે ડૉ.આંબેડકરને માત્ર ડ્રાફટિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ બંધારણ તૈયાર કરવામાં તેમની ભૂમિકા સૌથી મહત્ત્વની રહી છે. એનું એક ઉદાહરણ ડ્રાફટિંગ કમિટીના સભ્ય રહેલા ટી.ટી. કૃષ્ણમાચારીના એ ભાષણ પરથી સમજી શકાય છે જે તેમણે નવેમ્બર, 1948માં બંધારણ સભામાં આપ્યું હતું.
પોતાના ભાષણમાં આંબેડકરનું ભૂમિકા વિશે જણાવતા ટી.ટી. કૃષ્ણમાચારીએ કહ્યું, બંધારણ તૈયાર કરનાર ડ્રાફટિંગ કમિટીમાં 7 સભ્યો હતા. એમાંથી એક સભ્યએ રાજીનામું આપી દીધું. એક સભ્યનું મૃત્યુ થઈ ગયું. એક સભ્ય અમેરિકામાં હતા અને એક સભ્ય સરકારી મામલામાં એટલા વ્યસ્ત હતા કે તેઓ પોતાની જવાબદારી નિભાવી શકવા અસમર્થ હતા. બે સભ્ય દિલ્હીથી દૂર હતા અને કમિટીની કાર્યવાહીમાં ભાગ લઈ શકતા ન હતા. આ રીતે બંધારણ લખવાનો ભાર ડૉ.આંબેડકર પર આવી પડ્યો. આપણે બધાએ તેમના આભારી હોવું જોઈએ કે આ જવાબદારી ભર્યા કામને તેમણે સરાહનીય રીતે અંજામ આપ્યો છે.
રાજકીય અને કાયદાકીય કાર્યક્ષમતાની અસર જોવા મળે છે બંધારણમાં
- Advertisement -
બંધારણ તૈયાર કરનાર ડ્રાફટિંગ કમિટીમાં અધ્યક્ષ રીતે ડૉ.આંબેડકરની પસંદગી એમ જ ન થઈ હતી. તેમની રાજકીય ક્ષમતા, કાયદાકીય પ્રાવીણ્ય અને ભાષાકીય જ્ઞાનને કારણે જ તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બંધારણ સભામાં ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપવામાં અને જોગવાઈઓ વચ્ચે સંતુલન બનાવવામાં આંબેડકરે મહત્ત્વની ભૂમિકા રહી. તેની અસર ભારતીય બંધારણમાં જોવા મળે છે. તેથી જ તેમને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા.
અરુણ શૌરીએ આંબેડકર પર ઉઠાવ્યા સવાલો તો મળ્યા જવાબ
ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ શૌરીએ તેમના પુસ્તક ‘વૉરશીપિંગ ફોલ્સ ગોડ’માં આંબેડકરને એક એવા વ્યક્તિ તરીકે રજૂ કર્યા છે જે રાષ્ટ્રવિરોધી છે, સત્તાના ભૂખ્યા અને તેમને દેશભક્તિ સાથે કોઈ લેવાદેવા નથી. આ પુસ્તકના જવાબમાં આંબેડકરના જીવન પર અધ્યયન કરનાર ક્રિસ્ટોફ જાફરેલોએ લખ્યું, બંધારણ તૈયાર કરનાર ડ્રાફટિંગ કમિટીની એ જવાબદારી આપવામાં આવી હતી કે, સમિતિઓ દ્વારા મોકલવામાં આવેલા અનુચ્છેદોના આધારે પાઠ તૈયાર કરવામાં આવે અને તેને બંધારણ સભામાં રજૂ કરવામાં આવશે. આ જવાબદારી પણ સૌથી વધારે આંબેડકરે જ નિભાવી હતી. બંધારણને તૈયાર કરવા દરમિયાન જ્યારે પણ વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા થતી ત્યારે બાબા સાહેબ ચર્ચાને નવી દિશા આપતા અને સર્વસંમતિ લાવવાનો પ્રયાસ કરતા હતા.