ચારેય શંકાસ્પદ બાળકોને રાજકોટ સિવિલમાં રીફર કરાયા : 16 થી 30 મહિના બાળકોનો સરવે હાથ ધરાયો
જિલ્લામાં 35,000 બાળકમાં 55 મેડિકલ ઓફિસર દ્વારા સરવે કરવામાં આવી રહ્યો છે: રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર અર્થાત દોઢથી ચાર વર્ષના બાળકમાં જોવા મળતી જિનેટિક બીમારી. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના 55 મેડિકલ ઓફિસર દ્વારા જિલ્લાના 35,000 બાળકો પર સરવે કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાતના પ્રથમ 4 કેસ રાજકોટમાં મળી આવ્યા છે. આ ચારેય શંકાસ્પદ બાળકોને રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે.
આ અંગે રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરીએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરના ચારેય શંકાસ્પદ બાળકોને રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે. પ્રવર્તમાન સમયે આધુનિક જીવનશૈલીને પગલે બાળકોમાં અનેક પ્રકારના રોગ જોવા મળી રહ્યા છે, દરમિયાન ભૂલકાંઓને ઓટિઝમ નામનો રોગ થવાનાં પ્રમાણમાં વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે આ પ્રકારના રોગના લક્ષણો ધરાવનાર બાળકોને વહેલી તકે સમયસર સારવાર આપી શકાય તેવા હેતુસર આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં અંદાજે 35,000 બાળકનો સરવે કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
ઓટિઝમ શું છે ?
ઓટિઝમ એ એક એવી માનસિક બીમારી છે જેના લક્ષણો જન્મથી અથવા બાળપણથી દેખાય છે. આ રોગ ધરાવતા બાળકોનો વિકાસ અન્ય બાળકોની સરખામણીમાં અસામાન્ય હોય છે. ઓટિઝમ માટે ગુજરાતીમાં કોઈ ચોક્કસ શબ્દ નથી પણ તેને ’સ્વલીનતા’ કહી શકાય. એટલે પોતાનામાં જ રચ્યા-પચ્યા રહેવું, પોતાના વિચારોમાં ખોવાઈ જવું. દુનિયા સાથે કોઈ લેવા-દેવા નહીં. આ બધું બાળક ત્રણ વર્ષનું થાય તે પહેલાં શરૂ થાય છે.
- Advertisement -
1 મહિના સુધી સરવે થશે…
ઓટિઝમ રોગના લક્ષણો ધરાવતા બાળકો મોટાભાગે એકલા રહેવાનું પસંદ કરે છે અને અન્ય બાળકો કરતા તેમનું વર્તન જુદું હોય છે. વાલીઓ દ્વારા કોઇ સવાલો પૂછાય તો તેની પ્રતિક્રિયા અપાતી નથી! સામાન્ય રીતે દર 500 બાળકે બે બાળકમાં આ પ્રકારનો રોગ જોવા મળતું હોવાનું આ અંગેના એક રિસર્ચમાં બહાર આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં આ પ્રકારના રોગનાં લક્ષણો જોવા મળે તેવા બાળકોને સારવાર અપાશે. અંદાજે 1 મહિના સુધી ગામડાંમાં આ પ્રકારના સરવેની કામગીરી ચાલશે.