આચારસંહિતા લાગુ થયાને 25 દિવસ સુધી બદલી ન થતા બધા લિવ રિઝર્વ પર
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.12
- Advertisement -
ગુજરાત પોલીસના ઈતિહાસમાં કયારેય ન બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 14 આઈપીએસ અધિકારીઓ ચાલુ પગારે વેકેશન ગાળી રહ્યા છે. માત્ર તેઓ રોજ સવારે હાજરી પુરાવવા માટે ગાંધીનગર પોલીસભવન જાય છે. લોકસભા ચૂંટણી આચારસંહિતા જાહેર થઈ ન હતી તે પહેલાં રાજય સરકારે રાજયભરના આઈપીએસ અધિકારીઓની બદલી કરી ન હતી. 16 માર્ચે આચરસંહિતા લાગુ પડી ત્યારથી હજુ સુધી આ બદલીઓ નહીં થવાના કારણે ત્રણ વર્ષથી વધુ સમય સુધી એક સ્થળે રહેલા 14 આઈપીએસ અધિકારીઓને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે. હાલમાં આ અધિકારીઓ પાસે ચાર્જ નહીં હોવાથી જરૂર પડયે સરકાર કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે બંદોબસ્તમાં મૂકી શકે છે પણ રાજયમાં સંવેદનશીલ સ્થિતિ પણ નહીં હોવાથી તમામ અધિકારીઓ ચાર્જ વિના બેસી રહ્યા છે.
સામાન્ય રીતે પોલીસતંત્રમાં પોલીસ ઈન્સ્પેકટર કે પોલીસ સબ ઈન્સ્પેકટ કક્ષાના અધિકારીઓ લાંબો સમય સુધી લિવ રિઝર્વમાં હોય એવુ બનતું આવ્યું છે. આ અધિકારીઓને લીવ રિઝર્વ પર રાખવાનાં કારણો અનેક હોય છે. સજાના ભાગરૂપે અથવા તો બદલી થઈ હોય ત્યાં મૂળ અધિકારીએ ચાર્જ સોંપ્યો ન હોય તેવા તમામ કિસ્સામાં આવુ બનતુ હોય છે. પરંતુ પી.આઈ કક્ષાથી ઉપરના અધિકારીઓમાં માંડ દસ દિવસ કોઈ અધિકારી લિવ રિઝર્વમાં હોય તેવા કિસ્સા બન્યા છે. અને આઈપીએસ અધિકારીઓમાં તો એકાદ કિસ્સો હશે. પણ પોલીસના ઈતિહાસમાં પહેલીવાર આ વખતે એવુ બન્યુ કે એક સાથે 14 આઈપીએસ અધિકારીઓ લિવ રિઝર્વમાં છે.
સેન્ટ્રલ ડેપ્યુટેશન પરથી આવેલા બે અધિકારીઓનો પણ આમા સમાવેશ થાય છે. 16 માર્ચે ચૂંટણીપંચે આચરસંહિતા જાહેર કરી હતી પરંતુ તે પહેલા રાજય સરકારે આઈપીએસ અધિકારીઓની બદલી માટે કવાયત કરી હતી. પરંતુ સુરત પોલીસ કમિશનર તરીકે કોને મૂકવા તે મામલો અર્નિણિત રહ્યો હતો અને છેલ્લા 67 દિવસથી સુરત પોલીસ કમિશનર તરીકે ઈન્ચાર્જ અધિકારી ચાર્જ સંભાળી રહ્યાં છે. અહીં બદલી કરીને કોને મૂકવા તેની મડાગાંઠ ન ઉકેલાતા સમગ્ર રાજયના આઈપીએસ અધિકારીઓની બદલી અટકી ગઈ હતી. આમા કેટલાક અધિકારીના તો પ્રમોશન પણ અટવાઈ ગયા હતા અને ત્યારબાદ ચૂંટણીપંચે ત્રણ વર્ષ એક જગ્યાએ રહેલા અધિકારીઓને ચાર્જ છોડી દેવા આદેશ કર્યો હતો.જેથી 14 અધિકારીઓ લીવ રિઝર્વ પર છે.