શહેરના સૌથી જૂના જંગલેશ્ર્વર વિસ્તારમાં ટીપીનો રોડ નીકળશે, 490 જેટલા મકાનો પર બુલડોઝર ફરશે
ટીપીના કર્મચારીઓએ ડિમોલિશન પૂર્વે
પોલીસ બંદોબસ્ત સાથે દબાણોનો સરવે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની તૈયારી શરૂ કરવામાં આવી છે. મનપાના સુત્રોના જણાવ્યા અનુસાર જંગલેશ્વરના 15 મીટરના ટીપી રોડ પર વર્ષો જુના 490 જેટલા મકાન આવેલા છે. જેને દૂર કરવા માટે તંત્ર દ્વારા મકાનોનો સરવે પૂર્ણ કરાયો છે ઘણા વર્ષો પછી શહેરના સૌથી જૂના વિસ્તાર એવા જંગલેશ્વરમાં રોડ પર રહેલા દબાણો હટાવીને આ માર્ગ ખુલ્લો કરવામાં આવશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રથમ વખત હથિયારધારી પોલીસ સાથે ટીપી શાખાના અધિકારીઓ નોટિસની બજવણી કરશે. સાથે મનપાના કર્મચારીઓએ ડિમોલીશન પુર્વે પોલીસ બંદોબસ્ત સાથે દબાણોનો સરવે પૂર્ણ કર્યો છે. આ પૈકી મોટા ભાગના મકાનોના આગળના ભાગે રોડ ઉપર દબાણ કર્યું છે. ભુતકાળમાં આ દબાણો હટાવવાના સરવે થયા હતા તે બાદ તાજેતરમાં ફાઇનલ સરવે શરૂ કર્યો હતો. ટીપી અધિકારીઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરીને કપાતમાં આવતા મકાનો પર માર્કિંગ પણ કરવામાં આવ્યા છે. આમ વિસ્તારોમાંથી દબાણો હટતાની સાથે માર્ગ ખુલ્લો થશે જેને લઈને વાહન વ્યવહાર માટેનો મોટો રસ્તો ખુલશે. બીજી તરફ આ ડિમોલીશન થાય એટલે સોરઠીયાવાડી ચોકનું આ તરફનું ટ્રાફિકનું ભારણ પણ હળવું થવાની આશા છે.