સાસણ ગીર ખાતે વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન
15 સેશનમાં તજજ્ઞો દ્વારા સિંહોના સંવર્ધન અને સંરક્ષણ મુદ્દે ચર્ચા
- Advertisement -
આ સેમિનારમાં આફ્રિકા, તાન્ઝાનિયા, યુ.કે. સહિતના દેશો ઉપસ્થિત રહ્યાં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
સાસણ ગીર સિંહ ગીર સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં આફ્રિકા, તાન્ઝાનિયા, યુ.કે. અને અન્ય દેશોના 126 જેટલા ડેલિગેટ્સ (પ્રતિનિધિઓ) ભાગ લઈ રહ્યા છે. આ સેમિનારમાં વન મંત્રી મુળુભાઇ બેરા, વન વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ, સિંહ પર અભ્યાસ કરતા સંશોધનકર્તાઓ, અને દેશ-વિદેશના વિવિધ ઝૂના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એશિયા અને આફ્રિકાના સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટેના પ્રયાસોને વેગ આપવાનો છે. ગીર સાસણમાં પ્રથમ વખત આ પ્રકારનો આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાઈ રહ્યો હોવાથી તેનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે. સિંહોના સંવર્ધન અને વન્યજીવન પર અભ્યાસ કરતા લોકો માટે આ સેમિનાર ખૂબ જ મદદરૂપ અને માહિતીપ્રદ બની રહેશે. વિશ્વ સિંહ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, જૂનાગઢના સાસણ-ગીરમાં સિંહોના સંરક્ષણ અંગે એક દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને અન્ય સિંહ-વિસ્તાર ધરાવતા દેશોના મેનેજરો, નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ, સરકારી અધિકારીઓ, એન.જી.ઓ. અને અન્ય તજજ્ઞો સિંહ સંરક્ષણ માટેના અનુભવો અને વ્યૂહરચનાઓ શેર કરવા માટે આ કાર્યક્રમમાં સામેલ થશે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તેમજ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના સંયુક્ત ઉપક્રમે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સત્રમાં સ્વાગત પ્રવચન, સિંહ સંરક્ષણ વિષય અંગેના રિપોર્ટ્સનું વિમોચન અને “ધ ક્ધઝર્વેશન સક્સેસ સ્ટોરી ઓફ એશિયાટિક લાયન્સ” નામની દસ્તાવેજી ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
ટેકનિકલ સત્ર-વૈશ્વિક પરિપ્રેક્ષ્ય: આ સત્રમાં ભારત અને આફ્રિકામાં સિંહ સંરક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી જેમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, સિંહોની સ્થિતિ, પ્રજાતિઓની પુન:પ્રાપ્તિ, સંશોધન, વર્તમાન પડકારો અને નીતિ વિષયક બાબતો અંગે પ્રસ્તુત કરવામાં આવી હતી. તેની સાથે લેન્ડસ્કેપ-સ્તરીય સિંહ સંરક્ષણના પાસાઓ અને સમુદાયની ભૂમિકાઓ સાથે સિંહોના રહેઠાણોને પુન:સ્થાપિત કરવા, વન્યજીવો માટેની ચિકિત્સા પદ્ધતિઓ, રોગને લગતી બાબતો, ગેરકાયદેસર વન્યજીવોના વેપાર પર રોક અને સંરક્ષણમાં સમુદાયોની ભાગીદારી અંગે નિષ્ણાતો અને સહભાગીઓ દ્વારા ચર્ચા થઇ હતી. “આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ પરિસંવાદ” સિંહોના સંરક્ષણને મજબૂત બનાવવા તેમજ આ વિષયને લગતા વિચારો અને સફળતાગાથાઓ રજૂ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે. સિંહ વિસ્તાર ધરાવતા દેશોના બહુમૂલ્ય જ્ઞાનને એકસાથે લાવીને, આ કાર્યક્રમનો ઉદ્દેશ સિંહ સંરક્ષણને વધુ અસરકારક, વિજ્ઞાન આધારિત, વ્યાપક અને સમુદાય સમર્થિત બનાવવાનો છે. આ સેમિનાર, ગીર ખાતે આવેલા હાઈ-ટેક મોનિટરિંગ યુનિટ અને વાઇલ્ડલાઈફ વેટિનિરી યુનિટની મુલાકાત સાથે સમાપ્ત થશે.