ગ્રામ્ય કોર્ટે પણ સમીર પટેલનાં આગોતરા જામીન ફગાવ્યાં
50થી વધુ માનવ જીંદગીને ભરખી જનાર લઠ્ઠાકાંડનાં સુત્રધારો ફરતે કાનુની સકંજો મજબૂત બની રહ્યો છે ત્યારે ભોગ બનનાર હતભાગીનાં પરિવારજનોની હવે ન્યાયની આશા વધુ બળવતર બની છે. સેશન્સ કોર્ટ બાદ ગ્રામ્ય કોર્ટે પણ લઠ્ઠાકાંડના મુખ્ય સુત્રધાર એમોસ કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ સહિતનાઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે ત્યારે હવે ટૂંક સમયમાં જ સમીર પટેલ સહિતના જવાબદારોની ધરપકડ થશે અને જેલના સળિયા પાછળ ધકેલાશે તેવી આશા હતભાગીનાં પરિવારજનો સેવી રહ્યા છે.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર અને એમોસ કંપનીના ડાયરેકટર સમીર પટેલ અને મેનેજર રાજેન્દ્ર દસાડીયાની આગોતરા જામીન અરજી બોટાદ સેશન્સ કોર્ટ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા પણ આકરી ટીકા સાથે ફગાવવામાં આવતાં હવે સમીર પટેલ પાસે સરન્ડર થવા સિવાય કોઈ જ રસ્તો બાકી રહ્યો નથી.
સમીર પટેલ સામેનો કેસ વધુ મજબૂત: પ્રોહિબિશન એક્ટની કલમ 79 ઉમેરાઈ
એમોસ કંપનીના ડાયરેકટર સમીર નલીનભાઇ પટેલ અને મેનેજર રાજેન્દ્ર પ્રવીણ દસાડિયા દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજીનો મુખ્ય સરકારી વકીલ પ્રવીણભાઇ ત્રિવેદીએ સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આરોપી સમીર પટેલ એમોસ કંપનીનો મુખ્ય ડાયરેકટર છે અને તેમની કંપનીમાંથી મિથાઇલ આલ્કોહોલનો 600 લિટરનો જથ્થો ગેરકાયદે રીતે બહાર લઇ જવાયો હતો, જેના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાયો, જેમાં 46થી વધુ આરોપીઓના કરૂણ મોત નીપજયા હતા અને 71થી વધુની તબિયત બગડી હતી. આ ગંભીર અને ગુનાહિત અપરાધ માટે આરોપીની સીધી જવાબદારી ઠરે છે. આરોપીઓ વિરૂદ્ધ ઇપીકો કલમ-304, 302 સહિતના ગુનાનું તહોમત છે. એમોસ કંપનીમાંથી નિયત માત્રા કરતાં 737 લિટર વધુ મિથાઇલ આલ્કોહોલનો જથ્થો મળી આવ્યો હતો. વળી, કંપનીના ડાયરેકટરોએ મિથાઇલ આલ્કોહોલ રાખવા અંગેના લાયસન્સના નિયમોનો પણ સરેઆમ ભંગ કર્યો છે. જેના કારણે કંપનીના આરોપી સુપરવાઇઝર જયેશે રમેશભાઇ ખાવડિયા ગેરકાયદે રીતે કંપનીમાંથી 600 લિટરનો જથ્થો બહાર લઇ જઇ લઠ્ઠાકાંડ સર્જવામાં મોટી ભૂમિકા ભજવી છે. સૌથી નોંધનીય વાત એ છે કે, કંપનીમાં સીસીટીવી કે કોઇ મોનીટરીંગ સીસ્ટમ જ નથી જેના કારણે મિથાઇલ આલ્કોહોલ કંપનીમાંથી લાવવા- લઇ જવા પર કોઇ જ નિયંત્રણ નહોતુ. આટલા ગંભીર ગુનામાં કોઇપણ સંજોગોમાં તેઓને આગોતરા જામીન આપી શકાય નહીં. ઝેરી કેમીકલના માત્ર 10થી 30 મી.લી. જેટલા સેવનથી પણ માણસ મૃત્યુને ભેટી શકે છે તો આટલા મોટા જથ્થાને લઇ કેટલી ગંભીર દુર્ઘટના સર્જાઇ અને સર્જાઇ શકત તે સૌથી મોટો વિચારવા યોગ્ય પ્રશ્ર્ન છે. આમ, આરોપીઓના ગંભીર ગુનાહિત કૃત્ય, ગુનાની ગંભીરતા અને લઠ્ઠાકાંડ બાદ પણ આરોપીઓ સતત પોલીસ તપાસથી ભાગતા ફરતા રહ્યા તે વર્તણૂંક જોતાં તેઓને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી. કેસને વધુ મજબૂત બનાવવા પ્રોહિબિશન એક્ટની કલમ 79નો ઉમેરો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડના થવા પાછળ એમોસ કંપનીમાંથી મિથેનોલ વેચવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું. તે વખતે પોલીસે જવાબદાર તરીકે એમોસ કંપનીના કોન્ટ્રાકટર જયેશે ખાવડીયાને બતાવી દેવાયો હતો. જયેશ ખાવડીયાએ જ ચોરી કરીને મિથેનોલ વેચી દીધુ હોવાનું ગણાવી દોષનો ટોપલો તેના માથે ઢોળી દેવાયો હતો. જો કે ત્યારબાદ પોલીસે તપાસ કરતાં માત્ર જયેશ ખાવડીયા જ નહીં એમોસ કંપનીનો માલિક સમીર પટેલની પણ સંડોવણી હોવાનું ખુલ્યુ હતું. જેથી પોલીસે જેટલો જવાબદાર જયેશ ખાવડીયા હતો તેના જેટલો જ જવાબદાર સમીર પટેલને ગણાવી તમામ આરોપીઓની સામે મનુષ્ય સાપરાધના ગુનાની આઈપીસીની કલમ 304 હેઠળ કાર્યવાહી કરી હતી તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ 79નો ઉમેરો કર્યો હતો. આ કલમનો મતલબ એવો થાય છે કે કોઇપણ કંપનીમાંના પ્રતિબંધીત કેમીકલથી કોઇને નુકશાન થાય તો નોકર જેટલી જ જવાબદારી કંપનીના માલિકની રહે છે. આમાં પોતાની કોઈ ભૂમિકા નથી તે માલિકે પૂરવાર કરવાનું રહે છે જેના કારણે સમીર પટેલ સામે પોલીસે ગાળિયો મજબૂત કરી દીધો છે.
- Advertisement -
મિથેનોલ ચોરનાર જયેશને સમીર પટેલે પગાર પેટે 36 લાખ ચૂકવેલાં!
ધંધુકા-બરવાળા લઠ્ઠાકાંડનો દોષનો ટોપલો જેના પર ઢોળી દેવામાં આવ્યો છે તેવા એમોસ કંપનીના કોન્ટ્રાક્ટર જયેશ 2019માં એમોસ કંપનીમાં જોડાયાથી લઠ્ઠાકાંડ થયો એટલે કે જૂલાઈ 2022 સુધીમાં ત્રણ વર્ષમાં પગાર પેટે રૂા. 36 લાખ ચૂકવવામાં આવ્યા છે. પ્રતિમાસ રૂા. 1 લાખ જેવી માતબર રકમ જયેશને કઈ કામગીરી માટે આપવામાં આવતી હશે તે વાત તપાસનીશ એજન્સીના ગળે પણ ઉતરતી નથી. આટલી મોટી રકમનો પગાર મેળવતાં જયેશ ખાવડીયાએ સમીર પટેલની જાણ બહાર 600 લીટર મિથેનોલ બારોબાર વેંચી નાખ્યાની થિયરી પણ સમજાય એવી નથી. સમગ્ર કાંડ સમીર પટેલની જાણ બહાર થતું હોવાની વાત પણ શંકાસ્પદ છે.
સરકાર પક્ષ દ્વારા કઇ મહત્ત્વની દલીલો રજૂ કરાઈ?
-આરોપી સમીર પટેલ એમોસ કંપનીનો મુખ્ય ડાયરેકટર છે અને તેમની કંપનીમાંથી મિથાઇલ આલ્કોહોલનો 600 લિટરનો જથ્થો ગેરકાયદે રીતે બહાર લઇ જવાયો હતો.
-આરોપીની ગુનાહિત બેદરકારીના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાયો, જેમાં 46થી વધુ આરોપીઓના કરૂણ મોત નીપજયા હતા. આ ગંભીર અને ગુનાહિત અપરાધ માટે આરોપીની સીધી જવાબદારી ઠરે છે.
– આરોપીઓની કંપનીના સુપરવાઇઝર જયેશ ખાવડિયા દ્વારા ગેરકાયદે રીતે મિથાઇલ આલ્કોહોલનો મોટો જથ્થો બહાર લઇ જવાયો હતો, આમ નોકરના તમામ કાર્યો માટે માલિક પણ એટલા જ જવાબદાર ઠરે છે.
– આરોપીઓ લઠ્ઠાકાંડના ગંભીર ગુના બાદ સતત નાસતા ફરતા રહ્યા છે અને કેસની તપાસમાં સાથ સહકાર આપતા નથી.
-આરોપીઓ કંપનીમાં ડાયરેકટર હોવા માત્રથી જવાબદારીમાંથી છટકી શકે નહીં.
-આરોપીઓની કંપની દ્વારા મિથાઇલ આલ્કોહોલ રાખવાના નિયમો કે જોગવાઇઓનું કોઇ જ પાલન કરાયું નથી.
– નોકરની કામગીરી અને તેની ગતિવિધિ પર નજર રાખવાની જવાબદારી માલિકની હોય છે.
-આરોપીઓની કંપનીના સંકુલમાંથી 737 લિટર જેટલો મિથાઇલ આલ્કોહોલનો જથ્થો જપ્ત કરાયો છે.
-આરોપીઓ વિરૂદ્ધના ગુનાની ગંભીરતા, ગુનાહિત કૃત્ય અને નાસતા-ફરતા રહેવાના વર્તનને જોતાં તેઓને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી.
– આરોપીઓ મિથાઇલ આલ્કોહોલના ગેરકાયદેસર વેચાણ અને તેનો દારૂમાં મિલાવટ સહિતના ઉપયોગ સહિતની -તમામ ગુનાહિત પ્રવૃત્તિથી વાકેફ હોવા છતાં તેઓ મૂકસંમતિ આપી બધું ચાલવા દીધુ, તેથી તે સીધા જવાબદાર.