હાલ અંતરિક્ષમાં ભંગારના 17 કરોડ ટુકડા મોજૂદ
સાફ-સફાઈ માટે 27 હજારને ચિન્હિત કરાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અંતરિક્ષમાં માનવે મોકલેલા ઉપગ્રહો, રોકેટના કાટમાળના ભંગારને લઈને વૈજ્ઞાનિકો ચિંતીત છે, તેની સફાઈને લઈને દુનિયાભરના અનેક દેશો સતત પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ કડીમાં હવે બ્રિટીશ સરકારે અંતરિક્ષના કાટમાળને સાફ કરવા માટે એક યોજનાની જાહેરાત કરી છે. જેના મતે અંતરિક્ષના ભંગારને ટુકડામાં એકઠા કરીને અને તેને નષ્ટ કરવા માટે એક નવું અંતરિક્ષ યાન લોન્ચ કરવામાં આવશે. આ પ્રોજેકટ પર બ્રિટીશ સરકાર શરૂઆતમાં 48 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે. બ્રિટીશ સરકારે જાહેરાત કરી હતી કે 2026માં આ અંતરિક્ષ યાન લોન્ચ કરશે. આ અંતરીક્ષ યાનની બનાવટ ઓકટોપસ જેવી હશે જેથી તેને ‘ઓકટોપસ યાન’ પણ કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટન સરકાર સિવાય પણ ‘કિલયરસ્પેસ’ અને ‘એસ્ટ્રોસ્કેલ’ જેવી ખાનગી અંતરીક્ષ કંપનીઓ પહેલાથી જ પૃથ્વીની કક્ષામાં તરી રહેલા કાટમાળને સાફ કરવા માટે અંતરિક્ષ યાનનું નિર્માણ કરી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ કાટમાળ જો ઉપગ્રહો સાથે ટકરાય તો તેનાથી ઉપગ્રહને નુકશાન થઈ શકે છે. જેથી મેપ ટેકનોલોજી, મોબાઈલ સંચાર, હવામાનની આગાહી જેવી અનેક બાબતોમાં વિધ્નો આવી શકે છે.