મહાપાલિકાનાં ફૂડ વિભાગ દ્વારા આજથી 10 દિવસ સુધી ડ્રાઈવ ચાલશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હાલ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. જેને પગલે રાજકોટ શહેરમાં ઠેર-ઠેર મસાલા માર્કેટ ધમધમી રહ્યા છે. ત્યારે મસાલામાં કોઈપણ પ્રકારની ભેળસેળ છે કે નહીં તેની તપાસ કરવા આજે મનપાનાં ફૂડ વિભાગની ટીમો નાનામૌવા રોડ પરની શ્રીરામ મસાલા માર્કેટ ખાતે ફૂડ સેફટી વાન સાથે દોડી ગઈ હતી. રાજકોટ મનપાનાં ફૂડ વિભાગની ટીમે રાઈ-વરિયાળીમાં થતી કલરની ભેળસેળ અંગેની લાઈવ તપાસમાં સાથે રહ્યું હતું.
રાજકોટ મનપાનાં ફૂડ વિભાગની ટીમો દ્વારા ફૂડ સેફટી વાન સાથે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન અહીં વેચાતા મસાલાની તપાસ કરવામાં આવી હતી. જોકે પાણીમાં કોઈપણ પ્રકારનો કલર બદલાયો નહોતો. એટલે કે આ રાઈ અને વરિયાળીમાં કલરની ભેળસેળ ના હોવાનું સામે આવ્યું હતું.
આ તકે મનપાનાં ફૂડ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મહેતાએ જણાવ્યું હતું કે, ઉનાળામાં લોકો બારેમાસનાં મસાલાની ખરીદી કરતા હોય છે. ત્યારે આ મસાલામાં ભેળસેળ અંગેની ચકાસણી કરવા આજે ફૂડસેફટી વાન સાથે ખાસ ડ્રાઈવ યોજી છે. જેમાં નાનામૌવા રોડ પરની શ્રીરામ મસાલા માર્કેટમાં હળદર, મરચા, ધાણાજીરું, રાઈ, વરિયાળી સહિતનાં મસાલામાં કલર સહિતની ભેળસેળ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી છે. જોકે અત્યાર સુધીમાં કોઈપણ સ્થળે ભેળસેળ સામે આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મસાલામાં કલર અને સ્ટાર્ચ પાઉડરની ભેળસેળ કરવામાં આવતી હોય છે. મરચાનાં પાઉડરમાં ડાઈની પણ ભેળસેળ થતી હોય છે. આવી તમામ ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ત્યારે લોકોએ ભેળસેળયુક્ત મસાલાની ખરીદી કરવી જોઈએ નહીં. આ ડ્રાઈવ આગામી 10 દિવસ સુધી ચલાવવામાં આવશે. જેમાં શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલી મસાલા માર્કેટ ખાતે અમારી ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. જો કોઈપણ સ્થળે આવી ભેળસેળ જોવા મળશે તો સ્થળ પર જ આ જથ્થાનો નાશ કરવામાં આવશે. તો નમૂનાઓ લઈને લેબોરેટરીમાં પણ મોકલવામાં આવશે. જેમાં ભેળસેળ સામે આવશે તો વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઉનાળાનો પ્રારંભ થતા લોકો બારેમાસ માટેના મસાલાની ખરીદી કરતા હોય છે. ત્યારે મસાલામાં ભેળસેળ અટકાવવા મનપાનાં ફૂડ વિભાગ દ્વારા પણ આજથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. 10 દિવસ સુધી ચાલનારી આ ડ્રાઈવ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી મસાલા માર્કેટમાં વેંચાતી વસ્તુઓની તપાસ કરવામાં આવશે. અને જ્યાં ભેળસેળ જોવા મળે તેવા મસાલાનો સ્થળ પર નાશ કરવામાં આવશે. તેમજ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓ સામે એજ્યુડીકેશનની કાર્યવાહી કરવામાં આવશે.
ખાદ્યચીજોનું વેચાણ કરતાં 22 ધંધાર્થીની ચકાસણી
ફૂડ વિભાગની ટીમ તથા FSWવાન સાથે શહેરના ક્રિસ્ટલ મોલ થી આકાશવાણી ચોક વિસ્તારમાં આવેલ (01)જલારામ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શ્રી બાલાજી ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ગાંધી સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)શુભ બ્રેકફાસ્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી છે. તથા (05)રાજ સેન્ડવીચ (06)નેશનલ ચાઇનીઝ પંજાબી (07)GJ 5 સેન્ડવીચ (08)શંકરવિજય ડેરી ફાર્મ (09)પટેલ ડાઈનીંગ હોલ (10)શિવ ઢોસા પાઉંભાજી (11)કૃશ કાફે (12)સંતુષ્ટિ શેક (13)ટી સ્ટેશન (14)સંતુષ્ટિ શેક (યાજ્ઞિક રોડ વાળા) (15)પાંડેજી (16)વર્લ્ડ ઓફ વેફલ્સ (17)જય ભવાની વડાપાઉં (18)ઢોસા હબ (19)22 પેરેલલ (20)જલારામ આલ્પાહાર (21)જોગમાયા આલ્પાહાર (22)ટ્વીલાઇટ સોડાની ચકાસણી કરવામાં આવી છે.