15 ઓગસ્ટ સુધીમાં તમામ પશુધનને રસીકરણ હેઠળ આવરી લેવા સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા પ્રભારી સચિવમનીષા ચંદ્રા (ઈંઅજ)ના અધ્યક્ષસ્થાને પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસ- ચર્મ રોગને રોકવા તેમજ પશુઓની સારવાર માટે પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે પ્રભારી સચિવએ જણાવ્યું હતું કે,પશુપાલન વિભાગ દ્વારા એવું નક્કર આયોજન કરવામાં આવે કે જીલ્લાના સંબંધિત તમામ પશુધનને 15મી ઓગસ્ટ સુધીમાં રસીકરણ હેઠળ આવરી લેવામાં આવે. રસીનું વેસ્ટેજ ન થાય તે બાબત પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે,દરરોજના 200 થી વધુ પશુઓને એક ટીમ દ્વારા રસી આપવામાં આવે તેવી સ્ટ્રેટેજી બનાવવામાં આવે તે જરૂૂરી છે.
મોરબી જીલ્લામાં મયુર ડેરી તેમજ ગોપાલ ડેરી દ્વારા પણ પશુઓમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે તેની વિગતો મેળવી પશુપાલન વિભાગને તેનું મોનીટરીંગ કરવા પણ સૂચન કર્યું હતું. હાલમાં અન્ય જિલ્લાઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ બાબતને વધુ ગંભીતાપૂર્વક લેવા પણ તેમણે તાકીદ કરી હતી.
ઉપરાંત પશુપાલન વિભાગના હાલના મહેકમ તેમજ મંજૂર મહેકમની વિગતો મેળવી સંબંધિત સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જીલ્લા કલેકટર,જીલ્લા વિકાસ અધિકારી,નાયબ પોલીસ અધિક્ષક અને નિવાસી અધિક કલેકટર સહિતના પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટતંત્રના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.