દેવાયત ખવડ પોણા બે મહિનાથી વધુ સમયથી જેલમાં : બિલ્ડર પર હુમલો કર્યા બાદ 10માં દિવસે પોલીસ સમક્ષ હાજર થયો હતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે આ કેસમાં 9 દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ 10માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. દેવાયત ખવડે જામીન અરજી કરી હતી. પરંતુ 21 દિવસ પહેલા રાજકોટ સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. બાદમાં દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખટખટાવી જામીન અરજી કરી હતી. જોકે હાઇકોર્ટે પણ તેની જામીન અરજી ફગાવતા તેનો જેલવાસ લંબાયો છે.
- Advertisement -
હાઇકોર્ટમાં સરકારી વકીલે દલિલ કરતા જણાવ્યં હતું કે, દેવાયત ખવડ અને અન્ય બે આરોપી સામે ગંભીર પ્રકારની કલમો નોંધાયેલી છે. તેમજ સજ્જડ પૂરાવાઓ હોવાથી તેમને જામીન આપવા ન જોઈએ. તેમજ જો જામીન આપવામાં આવે તો પૂરાવાઓને સાક્ષી સાથે ચેડાં થઈ શકે તેમ છે. જેથી હાઇકોર્ટે જામીન આપવામાં નહીં આવે તેવું કહેતા દેવાયત ખવડના વકીલે પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી હતી. કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.42) 7 ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ફટકા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા.
હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.