સીમાડા ખાડી ઓવરફ્લો, ઘરમાં પાણી ઘૂસ્યાં
કુંભારિયા ગામમાં બોટ ફરતી થઈ, મીઠી ખાડી કાંઠો 40 કલાકથી પાણીમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરત
સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે મુશ્કેલી પડી રહી છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે. જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે. જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યાં હોવાથી ખાડીપૂરની સ્થિતિ ઊભી થઈ છે. સીમાડા ખાડી ઓવરફ્લો થતાં ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે. છેક પુણા સુધી આ પાણી ભરાયેલાં છે. જ્યારે મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. મીઠી ખાડી વિસ્તારનાં ઘરો 40 કલાકથી પાણીમાં છે. ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ સુરતમાં વહેલી સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે. વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં રસ્તા પર ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. કારો અડધી ડૂબી ગયેલી છે. ભારે વરસાદથી સુરતના ઉઊઘ ડો. ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અને જિલ્લામાં તા.23/06/2024ના રોજ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આથી શાળાના આચાર્યે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા ચાલુ રાખવા કે વિદ્યાર્થીઓને વહેલા છોડવા અંગેનો નિર્ણય કરવો. કોઈપણ વિદ્યાર્થીને શાળા પર આવવામાં કે જવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબત ધ્યાને રાખી આચાર્યે નિર્ણય લેવો.
- Advertisement -
સુરતમાંથી પસાર થતી સીમાડા ખાડી હાલ ઓવરફ્લો થઈ ગઈ છે. મીઠી ખાડી અને ભેદવાડ ખાડી હાલ ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ છે. સીમાડા ખાડી ઓવરફ્લો થવાના કારણે સારોલીથી લઈને પુણા સુધી તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. જ્યારે કેટલી સ્કૂલો અને ઘરોમાં પણ પાણી ભરાયાં છે.
સીમાડા ખાડી ઓવરફ્લો હોવાના કારણે સીમાડા અને સરથાણા વિસ્તારમાં સીમાડા ખાડીના પાણી બેક મારી રહ્યા છે. જેના કારણે હાલ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. સરથાણા પોલીસ સ્ટેશનથી સરથાણા જકાતનાકા સુધીના રસ્તા પર વ્રજ ચોક આસપાસ કમર સુધીનાં પાણી આવી ગયાં છે. જેના કારણે વાહનચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી રસ્તા ઉપર ટ્રાફિક જામનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
સુરતમાં ખાડીઓનાં પાણી પર્વત પાટિયાની લીલિયા સ્કૂલમાં ઘૂસ્યાં છે. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવો માહોલ સર્જાયો છે. શાળામાં પાણી ભરાઈ જતાં રજા રાખવામાં આવી છે. સ્કૂલ કેમ્પસ અને ખાડીનું પાણી લગોલગ વહેતું થયું છે.
સુરતમાં સતત વરસાદને પગલે વરાછા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતાં રોડ બંધ છે. વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થતાં વાહનચાલકો અટવાયા છે. સદનસીબે વૃક્ષ ધરાશાહી થતા કોઈ જાનહાનિ કે ઈજા નહીં. ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઘટનાસ્થળે પહોંચ્યું છે.