આગામી દિવસોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો થશે કારણ કે, પૂરના કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાં શાકભાજીના પુરવઠાને ભારે અસર થઈ છે
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં લાહોર અને પંજાબ સહિત કેટલાક પ્રાંતોમાં પૂરે તબાહી મચાવી છે લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે. પૂરના કારણે વિભિન્ન શાકભાજી અને ફળોની કિંમતોમાં ભીષણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન સરકાર ભારત પાસેથી ટામેટા અને ડુંગળીની આયાત કરી શકે છે. બજારના હોલસેલ વેપારીઓએ આ માહિતી આપી છે.
- Advertisement -
પાકિસ્તાન સ્થિત લાહોરના એક હોલસેલ વેપારીએ જણાવ્યું હતું કે, રવિવારે લાહોરના બજારોમાં ટામેટા અને ડુંગળીની કિંમત ક્રમશ: 500 રૂપિયા અને 400 રૂપિયા કિલો રહી હતી. જોકે, રવિવારના બજારોમાં, ટામેટાં અને ડુંગળી સહિત અન્ય શાકભાજી નિયમિત બજારો કરતાં 100 રૂપિયા પ્રતિ કિલો ઓછા ભાવે ઉપલબ્ધ હતા.
આગામી દિવસોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો થશે કારણ કે પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીના પુરવઠાને ભારે અસર થઈ છે. તેમણે કહ્યું કે, ડુંગળી અને ટામેટાના ભાવ આગામી દિવસોમાં 700 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી શકે છે. તેવી જ રીતે બટાકાની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 120 રૂપિયા થઈ ગઈ છે.
ચીમાએ એમ પણ કહ્યું કે, સરકાર ભારતમાંથી ડુંગળી અને ટામેટાંની આયાત કરી શકે છે. તેમણે કહ્યું કે, તફ્તાન બોર્ડર બલૂચિસ્તાન દ્વારા ઈરાનથી શાકભાજીની આયાત કરવી એટલી સરળ નથી કારણ કે ઈરાન સરકારે આયાત અને નિકાસ પર ટેક્સ વધાર્યો છે. અત્યારે તો એ જોવાનું રહ્યું કે, આ કેટલું શક્ય બની શકે છે પરંતુ ત્યાં મુશ્કેલીઓ ખૂબ જ વધી
ગઈ છે.
- Advertisement -
પાકિસ્તાનમાં પૂરથી તબાહી: છેલ્લા 24 કલાકમાં 119 લોકોના મોત, અત્યાર સુધીમાં 1,000 લોકોએ જીવ ગુમાવ્યો
પાકિસ્તાનમાં ભીષણ પૂર સતત તબાહી મચાવી રહ્યું છે અને મૃત્યુઆંક 1,000ને વટાવી ગયો છે. જૂનથી ભારે વરસાદ અને પૂરના કારણે હજારો લોકો ઘાયલ થયા છે અને વિસ્થાપિત થયા છે. 14 જૂનથી અત્યાર સુધી વર્સાદ અને પૂરના કારણે ઓછામાં ઓછા 1,033 લોકોના મોત થયા છે અને 1,527 લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતિ વણસી ગયા બાદ પાકિસ્તાનમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. પૂરના કારણે દેશમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 119 લોકોના મોત થયા છે અને 71 લોકો ઘાયલ થયા છે. બલૂચિસ્તાનમાં ચાર, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં 6, ખૈબર પખ્તુનખ્વામાં 31 અને સિંધમાં 76 લોકોના મોત થયા છે. વરસાદના કારણે પાકિસ્તાનમાં 3,451.5 કિમી રોડ ક્ષતિગ્રસ્ત અને 149 પુલ ધરાશાયી થયા છે. 170 દુકાનો બર્બાદ થઈ ગઈ છે. આ ઉપરાંત 9 લાખથી વધુ ઘર આંશિક અથવા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે.