જૂનાગઢ: પૂરના કહેર બાદ ખેડૂતોના હાલ બેહાલ, માલમિલકતનું ધોવાણ
કેશોદ, માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકા સાથે ઘેડમાં વ્યાપક ધોવાણ
- Advertisement -
ભારે વરસાદ બાદ વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો સરવે કરવા ટીમો કામે લાગી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
ગત 20 ઑગસ્ટના રોજ જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું છે. આ વરસાદને પગલે ઓઝત નદીમાં આવેલા ભારે પૂરથી નદીના કાંઠાના માટીના પાળા તૂટી જતાં ખેડૂતોની જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. વહીવટી તંત્રએ નુકસાનીનો અંદાજ મેળવવા માટે સ્થળ મુલાકાત કરી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ, માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકામાં 20 ઑગસ્ટના રોજ અંદાજે 10 થી 14 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ઓઝત અને અન્ય નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઓઝત નદીનું પાણી માટીના પાળાઓ પરથી ઓવરફ્લો થતાં કિનારા પરના ખેતરોને નુકસાન થયું હતું. આ પૂરના કારણે કેશોદ અને માણાવદર તાલુકામાં માટીના પાળા તૂટવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં, કેશોદ તાલુકાના બામણાસા ગામે 6, બાલાગામ ગામે 8 અને ઇન્દ્રાણા ગામે 4 ખેડૂતોના ખેતરના માટીના પાળા તૂટ્યા છે. જયારે માણાવદર તાલુકાના કોયલાણા ગામે 2, મટીયાણા ગામે 4, આંબલિયા ગામે 1 અને પાદરડી ગામે 3 ખેડૂતોના ખેતરના માટીના પાળા તૂટી ગયા છે. આ ઉપરાંત, મોવાણા ગામે તળાવનો માટીનો પાળો પણ ધોવાયગયો હતો.
- Advertisement -
નુકસાનીનો તાગ મેળવવા માટે કાર્યપાલક ઇજનેર પી.બી. કોઠિયા, નાયબ કાર્યપાલક ઇજનેર એમ.જે. વઘાસિયા અને મદદનીશ ઇજનેર એન.એમ. કયાડાએ ઘેડ વિસ્તારના બામણાસા ગામની સીમમાં તૂટેલા પાળાઓની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે બામણાસા ગામમાં 6 પાળા તૂટ્યા છે અને આસપાસની જમીનોનું પણ ધોવાણ થયું છે. ભારે પૂરના કારણે ખેડૂતોની મિલકતને પણ નુકસાન થયું છે. બામણાસા ગામના ખેડૂત ખાતેદાર પરબત કેસૂર કરંગીયાનું પશુ બાંધવાનું મકાન પાળો તૂટતા નદીના પ્રવાહમાં ધરાશાયી થયું છે. તેવી જ રીતે, બામણાસા ગામની સીમમાં જગમાલભાઈ ભીખાભાઈ પિઠીયાના ખેતરનો પાળો તૂટવાના કારણે તેમનું પશુ બાંધવાનું મકાન અને ગોડાઉનનો અમુક ભાગ પણ ધરાશાયી થયો છે.
તંત્રની સરકારને દરખાસ્ત સાથે વધુ કાર્યવાહી હાથ ધરાશે
કેશોદના પ્રાંત અધિકારી અને માણાવદરના મામલતદાર દ્વારા સિંચાઈ વિભાગના કર્મચારીઓને સાથે રાખીને આંબલિયા ગામે ઓઝત નદી કિનારે તૂટેલા પાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. બાકી રહેલા ગામોમાં પણ 23 અને 24 ઑગસ્ટના રોજ ટેકનિકલ સ્ટાફ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. જ્યાં સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે, ત્યાં ખેડૂતોની રજૂઆત મુજબ ’બોરીબંધ’ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર પી.બી. કોઠિયાએ જણાવ્યું છે કે હાલમાં જે વિસ્તારોમાં પહોંચી શકાય તેમ નથી ત્યાં પાણી ઓછું થયા બાદ તાંત્રિક સ્ટાફ દ્વારા સ્થળ મુલાકાત અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વે પૂર્ણ થયા બાદ નુકસાનીનો સંપૂર્ણ અંદાજ સ્પષ્ટ થશે.