રાજ્યમાં 3.40 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત
ખાસ-ખબર સંવાદદાતા
આસામમાં હાલ પૂરના કારણે સ્થિતિ ગંભીર બની છે. રાજ્યના 22 જિલ્લાઓમાં 3.40 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂરના કારણે 15 મૃત્યુ નોંધાયા છે. બ્રહ્મપુત્રા નદી ખતરાની સપાટી વટાવી ગઈ છે, અડધાથી વધુ રાજ્ય પાણીમાં ડૂબી ગયું છે. પાણી ભરાતા મોરીગાંવ જિલ્લાના 105 ગામો પાણીમાં ડૂબી ગયા છે, સાથે જ 3059 હેક્ટર પાક પણ પાણીમાં ડૂબી ગયો છે. આસામના કૃષિ મંત્રી અતુલ બોરાએ કહ્યું કે, “સમગ્ર રાજ્યમાં પૂરના પાણીમાં લગભગ 22,000 હેક્ટર પાક ડૂબી ગયો છે અમારી સરકાર અમારા ખેડૂતોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. અગાઉ અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર તરફથી કંઈ મળતું ન હતું, પરંતુ અમારી સરકાર ખેડૂતોને વળતર આપવા માટે તૈયાર છે. અમે તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરી રહ્યા છીએ.” વન વિભાગના બુલેટિન પ્રમાણે, ઓરાંગ નેશનલ પાર્ક અને ટાઈગર અભયારણ્યમાં 44 શિબિરોમાંથી 13 અને પોબિતોરા વન્યજીવ અભયારણ્યમાં 10 શિબિર ડૂબી ગયા છે. કરીમગંજ, માજુલી, મોરીગાંવ, ગોલાઘાટ, જોરહાટ, ઉદલગુરી, દારાંગ, ધુબરી અને કામરૂપ મેટ્રો જિલ્લામાં 33 રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે.