25 અને 27 ફેબ્રુઆરીએ કિવથી દિલ્હીની વધારાની ફ્લાઇટ્સ
અન્ય એરલાઇન્સ પણ કિવથી દિલ્હી માટેની ફ્લાઇટ્સ ચલાવી રહી છે
યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. રશિયાએ પૂર્વ યુક્રેનમાં ડોનેત્સ્ક અને લુહાંસ્કને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા આપી છે. રશિયાએ ડોનેત્સ્ક અને લુહાંસ્ક સાથે મિત્રતા, સહકાર અને પરસ્પર સહાયતા અંગેની સંધિઓ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં તણાવ વધુ વધવાની આશંકા છે. આ દરમિયાન ભારત સરકારે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કરવાનો મોટો નિર્ણય લીધો છે.
યુક્રેનમાં રહેલા ભારતીયોને ત્યાંથી બહાર કાઢવા માટે મંગળવારે સવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ 7.40 વાગ્યે દિલ્હીથી કિવના ઈન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે રવાના થઈ છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે વધારાની ફ્લાઈટ્સ ચલાવવાની જાહેરાત કરી છે. આ અંગે વિદેશ મંત્રાલય દ્વારા એક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં સતત વધી રહેલા તણાવ અને સ્થિતિની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને વધારાની ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે 25 ફેબ્રુઆરીએ કિવથી દિલ્હી માટે સવારે 7 વાગ્યે, 27 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે અને સાંજે 7.35 વાગ્યે વધારાની ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે. 6ઠ્ઠી માર્ચે પણ સાંજે 7.35 કલાકે વધારાની ફ્લાઈટ કિવથી દિલ્હી આવશે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયા સિવાય ઘણી અન્ય એરલાઇન્સ પણ કિવથી દિલ્હી સુધી ફ્લાઇટનું સંચાલન કરી રહી છે.