પરદા પર પરદો: હવે સુપ્રીમકોર્ટ જ ફરજ પાડે તેવી શકયતા
આમ આદમી પાર્ટી, ડીએમકે સહિત 10 પક્ષોએ માહિતી જાહેર કરી: લોટરીકિંગ તરફથી સૌથી વધુ ભંડોળ તામિલનાડુના શાસક પક્ષને મળ્યું
- Advertisement -
કોંગ્રેસ-તૃણમુલ-BRS-BJD એક જ ‘કતાર’ માં બેસી ગયા: 94% ભંડોળ આ પક્ષોને મળ્યું છે: અન્ય તમામને મળેલા કુલ કરતા પણ ભાજપને મળેલું ભંડોળ વધુ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
સુપ્રીમ કોર્ટના આકરા વલણથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાને ચુંટણી બોન્ડની માહિતી જાહેર કરવાની ફરજ પડી છે અને 2019 થી 2024 વચ્ચે કયા કોર્પોરેટ ગૃહો-કંપનીઓ તથા વ્યક્તિઓએ કેટલી રકમના બોન્ડ ખરીદવા તે માહિતી ઉપરાંત કયા રાજકીય પક્ષને કેટલું ચુંટણી ભંડોળ કયારે મળ્યું તે જાહેર કર્યુ છે પણ બેન્કે આ બોન્ડના ડોનર (ભંડોળ આપનાર) અને જે રાજકીય પક્ષને કે પક્ષોને કયા ડોનર પાસેથી કેટલી રકમ ચુંટણી બોન્ડ મારફત મળ્યા છે તે ‘લિંક’ જાહેર કરી નથી.
- Advertisement -
આ મુદે હવે આજે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે. પરંતુ રૂા.22000 કરોડથી વધુના આ ચુંટણી બોન્ડની લેવડદેવડમાં 94% બોન્ડ કયા રાજકીય પક્ષોને મળ્યા તે માહિતી છુપાવવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે ચુંટણી બોન્ડનો સૌથી મોટો લાભાર્થી ભારતીય જનતા પક્ષ છે પણ તેણે ડોનરની માહિતી જાહેર નહી કરવા ચુંટણીપંચને પત્ર લખ્યો છે.
ફકત ભાજપ જ નહી સૌથી વધુ ભંડોળ મેળવવામાં ભાજપ પછી બીજા ક્રમે રહેનાર કોંગ્રેસ પક્ષ તૃણમુલ કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય સમીતી (ચંદ્રશેખર રાવ) અને બીજુ જનતાદળે પણ તેઓને કયા ડોનર પાસેથી કેટલી રકમના ચૂંટણી ભંડોળ આ બોન્ડ મારફત મળ્યા છે તે જાહેર કર્યુ નથી. ભાજપે ચૂંટણી પંચને પત્ર લખીને આ ચુંટણી બોન્ડ યોજનાનું હાર્દ જ ‘ડોનર’ એટલે કે ભંડોળ આપનાર પક્ષે કોને કેટલું ભંડોળ આપ્યુ છે તે જાહેર નહી કરવાનું છે. આમ ‘ડોનર’ની એ ઓળખ છુપી રહેશે કે તેણે કયાં રાજકીય પક્ષને કેટલી રકમ આપી છે. (જો કે રાજકીય પક્ષ ઈચ્છે તો તે માહિતી ખુદ જાહેર કરી શકે છે.) કોંગ્રેસ પક્ષે પણ તેને મળેલા ભંડોળના ડોનરના નામ જાહેર નહી કરવા નિર્ણય લીધો છે અને એનસીપી, તૃણમુલ કોંગ્રેસ પણ આ જ માગે છે. જયારે જનતાદળ (યુ) અને આરજેડીએ જાન્યુ-જુન 2019 જયારે બોન્ડ યોજના શરૂ થઈ તે સમયના ડોનરની માહિતી જાહેર કરી છે પણ બાદની છુપાવી છે. રસપ્રદ બાબત એ છે કે આ પક્ષોને પણ તે ડોનરની માહિતી જાહેર કરી છે જે રાજયોમાં તે પક્ષનું કોઈ અસ્તિત્વ જ નથી. એકમાત્ર ડીએમકેએ તેને ચુંટણી બોન્ડ મારફત રૂા.656 કરોડનું ભંડોળ મળ્યું છે તેથી પુરી માહિતી જાહેર કરી છે. જેમાં તેણે સ્વીકાર્યુ કે લોટરી ફર્મ તરફથી તેને સૌથી વધુ રકમ મળી છે.
રાષ્ટ્રીય જનતાદળ તે જે એપ્રિલ 2019 થી ઓકટો 2023 વચ્ચે રૂા.56 કરોડના ચુંટણી બોન્ડ ભંડોળ પેટે મળ્યા તેમાં 98% રકમ તે સતા પર હતી તે સમયે જ મળ્યા છે પણ તેણે આ માહિતી જાહેર કરી નથી.
હવે આજે સુપ્રીમ કોર્ટે જો સ્ટેટ બેન્કને ડોનર અને રાજકીય પક્ષ વચ્ચેની બોન્ડની લેવડ-દેવડની ‘લીંક’ જાહેર કરવા ફરજ પાડે તો જ સાચું ચિત્ર મળી રહેશે. મહત્વનું એ છે કે કોણ શા માટે કયા ‘લાભ’ માટે આ ચુંટણી ભંડોળ આપ્યું તે જાહેર થાય તો રાજકીય પક્ષોને ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જશે તે બચાવવા હવે પ્રયાસ થઈ રહ્યા છે.