બે વાહનો પર ગ્રેનેડ ફેંકયા બાદ 4થી 6 ત્રાસવાદીઓએ ચારે તરફથી ઘેરી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
કાશ્મીરના પૂંછમાં ફરી એક વખત આતંકવાદીઓએ કરેલા ભીષણ હુમલામાં શહીદ જવાનોની સંખ્યા પાંચ પર પહોંચી છે. ત્રાસવાદીઓએ બર્બરતા આચરી હોય છે. જવાનોના મૃતદેહો સાથે પણ જંગલીયત આચરીને વિકૃત કરી દીધા હતા. ઉપરાંત હુમલાની ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો હતો. પૂંછ જીલ્લાના બફલિયાઝમાં પસાર થઈ રહેલા બે સૈન્ય વાહનોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓએ પ્રથમ ગ્રેનેડ ફેંકયા હતા અને ત્યારબાદ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ચાર જવાનો શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત એક જવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. આમ કુલ પાંચ જવાનો શહીદ થયા હતા. પ્રાથમીક તપાસમાં એવું બહાર આવ્યુ છે કે આતંકવાદીઓએ સમગ્ર વિસ્તારની રેકી કર્યા બાદ ગઈ સાંજે હુમલો કર્યો હતો એટલું જ નહીં ત્રાસવાદીઓએ હુમલાનો વિડીયો પણ બનાવ્યો હતો. જો કે, તે જારી કરવામાં આવ્યો નથી. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની સમર્થિત સંગઠન પીપુલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રંટ દ્વારા લેવામાં આવી છે. ત્રાસવાદી હુમલાની ઘટનાનો રિપોર્ટ મળતા તુર્તજ વધવાની સૈન્ય ટીમોને દોડાવવામાં આવી હતી. ત્રાસવાદીઓ જવાનોના હથિયારો પણ લુંટી ગયાની શંકા દર્શાવવામાં આવી હતી. સૈન્યએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સૈન્યના બે વાહનોના હુમલાનો વિડીયો બનાવનારા ત્રાસવાદીઓએ શહીદ જવાનોના મૃતદેહો સાથે પણ બર્બરતા આચરી હતી. બે જવાનોના મૃતદેહોને વિકૃત કરી નાખ્યા હતા. હુમલાખોર આતંકવાદીઓનો ખાત્મો કરવા આખી રાત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતું. આતંકીઓના નિશાન બનેલા બે વાહન 48 રાષ્ટ્રીય રાયફલ્સના હતા તેમાં એક જીપ્ફી અને એક ટ્રક હતા. સૌપ્રથમ ગ્રેનેડ ઝીંકતા વાહનો આગળ વધતા અટકી ગયા હતા ત્યારે ત્રાસવાદીઓએ વાહનોને ચારે તરફથી ઘેરીને અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. હુમલો કરનારા ત્રાસવાદીઓની સંખ્યા 4થી6 હોવાનું બહાર આવ્યુ છે.ઘટનાસ્થળે લોહીના ખાબોચીયા તથા જવાનોના તૂટેલા હેલ્મેટ અને વાહનોના કાચ વિખરાયેલા માલુમ પડયા હતા.