ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના ટીકર અને જુના ઘાંટીલા ગામ વચ્ચે આવેલા લખીહર તળાવના કાંઠે જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો કરીને 62 હજારથી વધુના મુદામાલ સાથે પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા જયારે ત્રણ જુગારીઓ નાસી છૂટ્યા હતા જેથી હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્વ જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ પોલીસની સર્વેલન્સ સ્કોડે બાતમીના આધારે તાલુકાના ટીકર તથા જુના ઘાંટીલા ગામ વચ્ચે આવેલા લખીહર તળાવના કાંઠે દરોડો કરીને જાહેરમાં જુગાર રમતા ઘનશ્યામ ચતુરભાઇ રંભાણી, હરેશ ભીખાભાઇ ઝીંઝુવાડિયા, હમીર લાભુભાઇ મહાલીયા, ઇશ્વરજી રતુજીભાઇ અંબારીયા અને કમલેશ માત્રાભાઇ સોરીયાને ઝડપી લીધા હતા. પોલીસે દરોડાના સ્થળેથી રોકડ રકમ રૂપિયા 17,700, 5 હજારની કિંમતનો એક મોબાઇલ અને 40 હજારની કિંમતના બે મોટર સાયકલ મળી કુલ રૂપિયા 62,700 ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો જોકે દરોડા દરમિયાન ચંદુ માંડણભાઇ રંભાણી, નિલેશ ઘનશ્યામભાઇ કોળી અને મુન્ના ચંદુભાઇ સુરેલા નામના ત્રણ જુગારી ભાગવામાં સફળ થયા હતા જેથી પોલીસે આઠેય જુગારીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.