કૃષ્ણ નગરીની દિવ્યતા, ભવ્યતા અને પવિત્રતાને અનેક સમસ્યા, પ્રશ્ર્નો અને લાપરવાહીથી ઝાંખપ લાગી રહી છે!
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
- Advertisement -
ભારતનાં ચાર ધામનું એક ધામ એટલે કૃષ્ણનગરી દ્વારકા. ભારતની સાતપુરી માની એક પુરી એટલે મોક્ષપુરી દ્વારકા. ધર્મ નગરી દ્વારકા આજે અનેક ભ્રષ્ટાચારો માટે ઉજાગર થાય ત્યારે કરોડો શ્રદ્ધાળુઓ વૈષ્ણવો કૃષ્ણ ભક્તોની આસ્થાને જરૂરથી ઠેસ પહોંચે છે.
તાજેતરનો બનાવ જોવા જઈએ તો જગતમંદિરની સામે જ પવિત્ર ગોમતી નદીમાં માછીમારીની ઝાળ દ્વારકાનાં ગૌભકત મિતેષ બુઝળ અને ગૌસેવાકોએ ઝડપી લીધી. આ પવિત્ર ગોમતી નદીમાં હજારો કિ.મી. દુરથી શ્રદ્ધાળુઓ આવીને પવિત્ર સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધે છે. હજારો ભક્તો આ નદીની માછલીઓને લોટ ખવડાવી ધર્મ કાર્ય કરે છે. આસ્થા લઈને આવતાં સેંકડો ભક્તો ગોમતી કિનારે પોતાના પિતૃઓનું તર્પણ કાર્ય કરે છે. આવા શ્રધ્ધા, આસ્થા, પરંપરા અને સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા ગોમતી નદીની પવિત્રતાને અભડાવવાની હરકત કોણ કરે છે તે તપાસનો વિષય છે.
છેલ્લા બે દાયકામાં દ્વારકાનગરીનો વિકાસ કરવા અત્યાર સુધીમાં અબજો રૂપિયાનો ખર્ચ થઈ ગયો હશે. યાત્રાધામ દ્વારકાને અવ્વલ અને બેનમૂન તિર્થસ્થાન બનાવવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ વર્ષોથી ખુબ મહેનત કરે છે.
વર્ષ દરમ્યાન અનેક મિટિંગ અને વિ.આઈ.પીની મુલાકાતો મિડીયાનાં હેડીગ બને છે. આખા ભારતભરનાં વિ.આઈ.પી અને સેલિબ્રિટી અહીં વિશેષ પ્રોટોકોલથી ભગવાનનાં દર્શન કરે છે. આમ આ કૃષ્ણનગરી દ્વારકાનું અનેરું અને અલાયદું અનન્ય મહત્વ છે. આવા વિશેષ સ્થળમાં નાની નાની ખામીઓ અને માનવિય ભૂલોને લીધે અનેક બનાવો બને ત્યારે “સોનાનાં થાળમાં લોઢાની મેખ” જેવો ઘાટ સર્જાય છે.
- Advertisement -
માછીમારી ઝાળ પકડાઈ તે આ પહેલો બનાવ નથી. આ પહેલાં પણ માછીમારી કરતાં શખ્સો પણ પકડાયેલા નાં બનાવ બન્યા છે.
આ ઉપરાંત દ્વારકા નગરીમાં ગલીએ ગલીએ અને રોડ ઉપર હોટેલોનાં એઠવાળ ઉપર નિર્ભર એવા ખુટીયાઓનો પણ ખુબ ત્રાસ આજે પણ યથાવત છે. યાત્રાધામમાં દુર્ગંધ મારતો કચરો, ગંદકી અને ગટરનાં છલકાતાં પાણી ઉપરાંત ટ્રાફિકની સમસ્યા એ રાબેતામુજબ ની સમસ્યા છે.
મોક્ષપુરી દ્વારકામાં સરકારી પ્રશાસનની પક્કડ ઢીલી હશે ?
દ્વારકામાં ગોમતી નદીમાં શ્રધ્ધાળુઓ ડુબવાનાં અને મૃત્યુ પામવાના કેટલાય બનાવો બન્યા! દ્વારકા ગામમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓનાં દબાણો, ખુબ ટુંકી જગ્યામાં આલિશાન હોટેલોનાં બાંધકામો રાતો રાત થાય છે તેમજ આ હોટેલમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી તમામ વાહનો ગામમાં ટ્રાફીકની સમસ્યા ઉત્પન્ન કરે છે. ગામમાં આડેધડ વાહન પાર્કિંગથી નગરજનો અને યાત્રિકો કાયમી મુસીબત વેઠે છે. આટલું આટલું થવા છતાં સરકારી તંત્રનાં જવાબદારોની આંખ ખુલતી નથી તે યક્ષ પ્રશ્ન છે. દ્વારકામાં ઘણાં સમયથી નિમણૂક થયેલાં અમુક અધિકારી-કમેચારી ઉપરાંત ગામનાં અમુક બની બેઠેલાં આગેવાનો અને સ્થાનિક રેઢિયાળ તંત્ર ને લિધે રાજ્ય અને કેન્દ્ર સરકારનાં દ્વારકા ને દિવ્ય,ભવ્ય અને ભપકાદાર તિથેસ્થાન બનાવવાની મહેનત ઉપર પાણીઢોળ થઈ જાય છે.