ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના માછીમાર આગેવાનોએ ગાંધીનગર ખાતે મત્સ્યઉદ્યોગ મંત્રીને મળીને વેરાવળ બંદરની કામગીરી અંગે તેમજ વન અને પર્યાવરણ મંત્રીને વ્હેલ શાર્કને દરિયામાં પરત છોડવા માટેના વળતરમાં વધારો કરવા રજૂઆત કરી હતી.બંને મંત્રીઓએ પણ સકારાત્મક અભિગમ દાખવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સાથે ગાંધીનગર ખાતે મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ મળીને વેરાવળના માછીમાર મંડળના આગેવાનોએ રજૂઆત કરી હતી.આ અંગેની વધુ વિગતો આપતા ખારવા સયુંકત માછીમાર બોટ એસો. સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલએ જણાવ્યું હતું કે વેરાવળ બંદરે માછીમારોની માળખાકીય સુવિધાઓ વધારવા અંગેની ફેસ -2ની ચાલતી કામગીરી ગુણવતા સભર થાય અને આ કામમાં જે અડચણો ઉભી થઈ રહી છે તે દૂર થાય અને સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તેમજ ફેસ-2 પ્રોજેકટમાં સમાવિષ્ટ વિવિધ કામો ઉપરાંત વધારાનાં અમુક કામોનો સમાવેશ કરવા અંગે રજૂઆત કરવા માટે જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર સાથે માછીમાર આગેવાનોના પ્રતિનિધિ મંડળે મત્સ્યોદ્યોગ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.જે તમામ રજૂઆતો પરત્વે માનનીય મંત્રી દ્વારા હકારાત્મક વલણ દાખવીને ઉપસ્થિત ફીશરીઝ તેમજ જી.એમ.બી નાં ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક યોગ્ય ઘટતુ કરવા સુચનાઓ આપવામાં આવેલ છે.
વેરાવળ બંદરે ફેસ -2ની કામગીરી ઝડપી કરવા માછીમાર આગેવાનો મત્સ્યઉદ્યોગ મંત્રીને રજૂઆત
