રાજકોટ હેલ્મેટ વિવાદ: જીજ્ઞેશ મેવાણી મેદાને, સરકાર પર આકરા પ્રહાર
અમુક અધિકારીઓ અને હેલ્મેટ બનાવતી કંપનીની સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેર પોલીસના 8 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટના નિર્ણય સામે રાજકોટમાં વિવાદ વકર્યો છે. લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આ મામલે સરકાર અને પોલીસ વિભાગ પર આકરા પ્રહારો સાથે મેદાને આવ્યા છે.
મેવાણીએ જણાવ્યું કે, સ્વૈચ્છિક હેલ્મેટ આવશ્યક છે, પરંતુ રાજકોટના ખાડાવાળા રસ્તાઓ પર 40 કિમી/કલાકથી વધુ સ્પીડ શક્ય ન હોવાથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત કરવાની જરૂર નથી. તેમણે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાનો હવાલો આપતા કહ્યું કે શહેરમાં હેલ્મેટ ફરજિયાત નથી, હાઈવે પર જરૂરી છે. તેમણે સરકારને પહેલા સારા રસ્તાઓ અને ટ્રાફિક સુધારવા પર ધ્યાન આપવા જણાવ્યું.
તેમણે પોલીસના નિર્ણયના સમય પર સવાલ ઉઠાવ્યા કે તહેવારો ટાણે જ કેમ હેલ્મેટની ચિંતા થઈ. મેવાણીએ કહ્યું કે જો સરકારને લોકોની સુરક્ષાની ચિંતા હોત તો રાજ્યમાં દારૂ-ડ્રગ્સ, દેહવ્યાપાર, ઝછઙ, ડીસા અગ્નિકાંડ, મોરબી કે ગંભીરા બ્રિજ દુર્ઘટનાઓ ન બની હોત.
મેવાણીએ ગૃહમંત્રીના ગઈકાલના લોકદરબારને ’પ્રિ-પ્લાન ફિક્સ’ ગણાવ્યો અને આક્ષેપ કર્યો કે તે માત્ર ફોટોસેશન અને મીડિયામાં સારી છાપ ઉભી કરવા માટેનું નાટક હતું, જ્યારે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. તેમણે ધમકી આપી કે તેઓ અસલી લોકદરબાર યોજી ભાજપ શાસનમાં ચાલતા બે નંબરના ધંધાઓનો પર્દાફાશ કરશે.
પોલીસ તંત્રની “બુદ્ધિનું દેવાળું” ફૂંકાયું હોવાનું કહી મેવાણીએ હેલ્મેટ ફરજિયાતના નિર્ણયની તાર્કિકતા પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે આક્ષેપ કર્યો કે આ માત્ર દંડ વસૂલવા અને હેલ્મેટ કંપનીઓને ફાયદો કરાવવાનો ખેલ છે. તેમણે રાજકોટ ટ્રાફિક પોલીસને હપ્તાખોરી બંધ કરવા અને ભારે વાહનો પર નિયંત્રણ લાવવા જણાવ્યું હતું.
- Advertisement -
‘ખરાબ રસ્તાઓ પર હેલ્મેટ ફરજિયાતનો શું અર્થ?’ – મેવાણી
જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે વાહનચાલકોએ સ્વૈચ્છિક હેલ્મેટ પહેરવું આવશ્યક જ છે તેમાં કોઈ સવાલ નથી. જોકે, તેમણે રાજકોટ શહેરની હાલત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “રાજકોટ શહેરમાં ચારેબાજુ ખાડાઓ અને ભૂવાઓ જ છે, તો ટુ-વ્હીલર વાહન 40 કિમી/કલાકથી વધુ સ્પીડે હંકારી જ ન શકાય. આવા સંજોગોમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાતની નહીં, પણ દંડની જરૂરિયાત રહેતી નથી, તેવું મારું સ્પષ્ટ માનવું છે.” તેમણે બોમ્બે હાઈકોર્ટના એક ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો જેમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત જરૂરી નથી, પરંતુ હાઈવે પર અતિઆવશ્યક છે તેમ જણાવાયું હતું. મેવાણીએ ભારપૂર્વક કહ્યું કે સરકારે પહેલા સારા રોડ રસ્તાઓ આપવા જોઈએ અને શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવી જોઈતી હતી.
ગૃહમંત્રીનો ‘પ્રિ-પ્લાન ફિક્સ લોકદરબાર’
મેવાણીએ ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી દ્વારા રાજકોટમાં યોજાયેલા લોકદરબારને “પ્રિ-પ્લાન ફિક્સ લોકદરબાર” ગણાવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે લોકદરબાર એને કહેવાય કે કોઈ પણ અરજદાર ફરિયાદ કરવા જઈ શકે, પરંતુ ગઈકાલે તો સાહેબને સારું લગાડવા પોલીસની વાહવાહી કરે તેવા જ અરજદારોને ધરાહાર બોલાવાયા હતા. મેવાણીએ વધુમાં કહ્યું કે, “ફોટોસેશન કરવા અને મીડિયામાં સારું સારું બોલવાના આ મોટા નાટકો છે અને ગૃહમંત્રી રાજ્યની કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે તે છુપાવવા ધમપછાડા કરી રહ્યા છે.” તેમણે માહિતી આપી કે આ નાટકીય લોકદરબારમાં અનેક ધરાહાર બોલાવેલા અરજદારોને મુદ્દામાલ પરત મળ્યો નથી, તેમ છતાં ગૃહમંત્રીનો આભાર ધરાહાર મનાવ્યો તેવું તેમને જાણવા મળ્યું છે. જીજ્ઞેશ મેવાણીએ જાહેરાત કરી કે તેઓ આવનારા થોડા સમયમાં અસલી લોકદરબાર કરશે અને ભાજપના શાસનમાં ચાલતા બે નંબરના ધંધાઓનો પર્દાફાશ કરશે.
મેવાણીની ચીમકી: ‘સરકાર પીછેહઠ નહીં કરે તો રાજકોટ આવીશ’
જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે આ પરિપત્રને લઈને સમગ્ર રાજકોટવાસીઓમાં ભારે આક્રોશ છે અને તેમનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે કે સરકાર કે પોલીસ વિભાગ આ મામલે કોઈ પીછેહઠ નહીં કરે તો તેઓ રાજકોટ આવીને લોકોને વ્હારે આવશે અને રાજકોટમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓની પોલ છતી કરશે.