ગુણોત્સવનું પ્રથમ તબક્કાનું પરિણામ જાહેર
શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓની હાજરી, સ્કૂલોના મેરિટ, ડિસ્ટિંક્શન સહિતના મુદ્દે કરાય છે મૂલ્યાંકન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવનું વર્ષ 2022-23નું પ્રથમ તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લાંબા સમયથી ગુણોત્સવ યોજવામાં આવે છે. આ મૂલ્યાંકન માટે શિક્ષકોમાંથી પરીક્ષા આપી પસંદગી પામેલા સ્કૂલ ઇન્સ્પેક્ટરો દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન તેમને ફાળવવામાં આવેલી શાળાઓમાં જઇને નક્કી કરેલા માપદંડના આધારે સ્કૂલનું મૂલ્યાંકન કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાની કુલ 279 શાળાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.
જેમાંથી માત્ર 28 શાળાને જ ગ્રીન ઝોનમાં સ્થાન મળ્યું છે જ્યારે 35 સ્કૂલ રેડ ઝોનમાં અને સૌથી વધુ 216 શાળાને યલો ઝોનમાં સ્થાન મળ્યું છે. અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા ગ્રેડ આપીને મૂલ્યાંકન કરવામાં આવતું હતું પરંતુ હવે ગ્રીન, યલો અને રેડ ઝોનમાં પરિણામ જાહેર કરાય છે. રાજ્યની 32 હજારથી વધુ પ્રાથમિક સ્કૂલોમાંથી 12,184 સ્કૂલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમામ સ્કૂલમાંથી 1256 સ્કૂલ જ એ ગ્રેડ એટલે કે ગ્રીન ઝોનમાં આવી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ બાબતમાં સુધારો આવે તે માટે જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં આવે છે, મૂલ્યાંકન અને ચેકિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક શાળાનું પરિણામ સુધરે તે માટે દર વર્ષે ગુણોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે તાજેતરમાં જ ગુણોત્સવનું પ્રથમ તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ જિલ્લામાં 77% સાથે 216 શાળા યલો ઝોનમાં આવી છે. જ્યારે રેડ ઝોનમાં 35 અને ગ્રીન ઝોનમાં 28 સ્કૂલને સ્થાન મળ્યું હતું. પ્રથમ તબક્કામાં રાજકોટ જિલ્લાની 279 શાળાનો ગુણોત્સવમાં સમાવેશ કરાયો છે.