ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જિલ્લામાં રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. હળવદના ઉમા ક્ધયા છાત્રાલયના પટાંગણમાં આસ્થા સ્પિનટેક્ષ દ્વારા આયોજિત ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગનો પ્રારંભ થયો છે, જે મોરબી જિલ્લામાં આ પ્રકારની પ્રથમ ઘટના છે.
આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં 270 જેટલા નેશનલ લેવલના મહિલા ખેલાડીઓ પોતાની કૌશલ્યનું પ્રદર્શન કરશે. આ સ્પર્ધા તા. 18/9/25 થી 21/9/25 સુધી ચાલશે. આ સમગ્ર આયોજન ભારત પરંપરાગત રમતગમત અધિકારી કિશન દલસાણીયાના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.
- Advertisement -
આ ભવ્ય સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે આસ્થા સ્પિનટેક્ષના એમ.ડી. જશુભાઈ પટેલ, હળવદ મામલતદાર અલકેશ ભટ્ટ, જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની, પાટીદાર અગ્રણીઓ રણછોડભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, ધનજીભાઈ ભોરણીયા, મહિલા પી.આઈ. ડી.વી.કાનાણી, નગરપાલિકા પ્રમુખ ફોરમબેન રાવલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આસ્થા સ્પિનટેક્ષના એમ.ડી. જશુભાઈ પટેલ અને તેમની ટીમ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાટીદાર યુવા હૃદય સમ્રાટ દિવ્યાંગ પટેલ અને અન્ય યુવાનો પણ રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.