સમાજને સંગઠિત, વ્યસન મુક્ત અને શિક્ષિત બનાવવા માટેની પણ પહેલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
ચોટીલામાં ચામુંડા યાત્રાધામમાં ચંદ્ર મોલેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત વાઢારા સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમવાર સમૂહલગ્ન કરવામાં આવી રહ્યું છે જેમાં જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્નના આયોજનમાં સર્વ પ્રથમ વર-ક્ધયા દ્વારા ગૌમાતાની પૂજા કરી ત્યારબાદ લગ્નની વિધિ શરૂ કરવામાં આવશે અને ભારત સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે જેના માટે સમાજની કંકોત્રીમાં પણ સૂત્ર સાથે અપીલ કરાઈ છે સમાજના ફાઉન્ડેશન દ્વારા સંતો મહંતો, મુખ્ય મહેમાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દિલ્હીથી પણ મહાનુભાવો આ પ્રથમ સમૂહ લગ્ન પ્રસંગમાં દીકરીઓને આશીર્વાદ માટે ઉપસ્થિત રહેશે.
- Advertisement -
“સમસ્ત વાઢારા સમાજ ફાઉન્ડેશન” દ્વારા ગુજરાત ભરમાં વસતા સમાજના દરેકને જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. સાથે આગામી સમયમાં સમાજ સંગઠિત, વ્યસન મુક્ત અને શિક્ષિત બને તથા સમાજના કુરિવાજો અને બેરોજગારી દૂર થાય તેવા ઉમદા કાર્ય પણ સંગઠન દ્વારા કરવામાં આવશે. આ સમૂહ લગ્નનું આયોજન સફળ થાય તેના માટે સમસ્ત વાઢારા સમાજ ફાઉન્ડેશન ભારતના રાષ્ટ્રીય પ્રમુખ હરેશભાઈ ચૌહાણ સાથી ટ્રસ્ટીઓ અને કમિટી મેમ્બરો સમાજના વડીલો યુવાનો સમૂહલગ્નમાં કાર્યને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. આ તકે પ્રમુખ હરેશભાઈ ચૌહાણ દ્વારા જણાવાયું હતું કે “આપણા ભારત દેશના નવનિર્માણ માટે સારા સેવાકીય સામાજિક કાર્યો થકી સમાજ સંગઠિત બને અને ખોટા ખર્ચાઓ બચે તથા દરેક સમાજમાં સામાજિક એકતા આવે સંગઠિત બને જેના માટે આ આયોજન થકી એક સેવાના ભગીરથ કાર્યનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવાનો યુવાનોઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.” ત્યારે સમૂહલગ્નમાં શુભ કાર્યમાં તં, મણ અને ધનથી સેવા આપતા તમામનો દિલથી આભાર પણ વ્યક્ત કરાયો હતો.