કિશોર મકવાણા ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી નિમણૂંકથી અત્યંત ખુશ છે અને સૌ પ્રથમવાર એક ગુજરાતીની આ પદ પર નિયુકિત કરવામાં આવી હોવાથી તેઓ વિશેષ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
- Advertisement -
દેશભરમાં અનુસુચિત જાતિના પ્રશ્ર્નોને વાચા આપવાનું, સમસ્યાઓનું નિરાકરણ કરવાનું, તેમની સુખાકારી માટે પ્રયત્ન કરવાનું અને સમય આવ્યે તેમના માટે ઢાલ બનીને ઉભા રહેવાનું કામ જે સંસદીય સંસ્થાને માથે હોય તો એ છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ. ગઈજઈની રચના થઈ ત્યારથી હમણાં સુધી આ વખતે પહેલી વાર તેના અધ્યક્ષ તરીકે એક ગુજરાતી વ્યક્તિને નિયુક્તિ મળી છે. તે વ્યક્તિનું નામ છે કિશોર મકવાણા. તેઓ ગુજરાતના લેખન ક્ષેત્રે કોઇ નવું નામ નથી. ઉપરાંત તેઓ ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન, કાર્યો અને વિચારોના ઉમદા અભ્યાસુ છે. આજે આપણે તેમની સાથે વાત કરીને ગઈજઈ વિશે અને તેઓ પોતાને મળેલ આ નવી જવાબદારીને કઈ રીતે વાચા આપશે એ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરીશું. નોંધનીય છે કે વર્તમાન સમયમાં તેઓ ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રખર વક્તા તરીકે દેશભરમાં વિખ્યાત બન્યા છે. આવા એક વિદ્વત ગુજરાતીની તાજેતરમાં સૌપ્રથમવાર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે તે સમગ્ર ગુજરાત માટે તો ખરો જ, પરંતુ એમાંય, વિશેષત: અનુસૂચિત સમાજ માટે પણ ખૂબ જ ગૌરવનો વિષય છે. ઑપઇન્ડિયાએ કિશોર મકવાણા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂંકથી તેઓ અત્યંત ખુશ છે અને સૌ પ્રથમવાર એક ગુજરાતીની આ પદ પર નિયુકિત કરવામાં આવી હોવાથી તેઓ વિશેષ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
કોણ છે કિશોર મકવાણા?
ગુજરાતમાં જ્યારે અગ્ર હરોળના લેખકોની વાત હોય, વિચારકોની વાત હોય, બૌદ્ધિકોની વાત હોય, સમાજચિંતકોની વાત હોય કે પછી રાજકીય કે સામાજિક વિશ્લેષકોની વાત હોય, ત્યારે એક નામ અવશ્ય આવે. એ નામ છે કિશોર મકવાણા. આજે દેશભરમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જે વિષદ્ અભ્યાસુઓ છે, તેમજ તેમના વિશે સંપૂર્ણ આધારભૂત માહિતી સાથે સાતત્યપૂર્ણ વિષય મૂકી શકનાર જે જૂજ વિદ્વાનો રહ્યાં છે તેમાંનું પણ મોખરાનું એક નામ એટલે કિશોર મકવાણા.કિશોર મકવાણાએ ડો. બાબાસાહેબ આંબેડકરના બહુ આયામી વ્યક્તિત્વના દરેક પાસાનો ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કરી ડો. બાબાસાહેબ આંબેડકરની મૂળ વિચારધારાને આજે દેશભરમાં ફરી જીવંત કરી છે. આમ જોવા જઈએ તો કિશોર મકવાણાને ડો. બાબાસાહેબનો હાલતો ચાલતો જ્ઞાનકોશ કહીએ તો પણ એમાં કશું ખોટું નથી. ગુજરાતના આ વિખ્યાત લેખક, ગહનચિંતક અને પ્રખર વક્તા એવા કિશોર મકવાણાએ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર વિસ્તૃત સંશોધન કર્યું છે. તેમણે ડો. આંબેડકરના અનેક અપ્રકાશિત પાસાંઓને લોકો સમક્ષ સાચી રીતે રજૂ કર્યા છે અને લોકોને ડો. આંબેડકરની મૂળ વિચારસરણી બતાવી છે. કિશોર મકવાણાએ ગુજરાત સહિત દેશની પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં ડો. આંબેડકર પર સેંકડો પ્રવચન આપ્યાં છે તથા દેશભરના સામાયિકો અને પુસ્તકોમાં અસંખ્ય લેખો લખ્યા છે. આ ઉપરાંત જુદા જુદા અનેક વિષયો પર પોતાના આશરે ચાળીસથી વધુ પુસ્તકો પ્રકાશિત કરી તેમણે સૌને તેમની લેખનીનો ઉત્તમ પરિચય આપ્યો છે.