60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે: UPના 25 કારીગરે પૂતળુ તૈયાર કર્યું
એક મોટું 60 ફૂટનું અને 30-30 ફૂટના બે નાનાં પૂતળા તૈયાર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લાં 28 વર્ષથી રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ ધપાવી આગામી દશેરાએ સાંજે સાત વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનાં કાર્યક્રમનું આયોજન થયું છે. આ માટે જુદા જુદા ત્રણ પૂતળાનું નિર્માણ યુપીનાં ખાસ કારીગરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે રાવણ દહન સાથે આતશબાજી ઉપરાંત લેસર-શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે જ શસ્ત્ર પૂજનની પરંપરા પણ જાળવવામાં આવનાર છે. આયોજક નિતેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, દશેરાનાં પવિત્ર દિવસે આસુરી શક્તિનાં વિનાશ માટે પ્રતિ વર્ષ વિહિપ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. ચાલુ વર્ષે યોજાનાર આ કાર્યક્રમ માટે રાક્ષસનું પૂતળું બનાવવા ઉત્તરપ્રદેશના 25 જેટલા કારીગરો આવે છે. જેની અઠવાડિયાની મહેનતના અંતે એક મોટું 60 ફૂટનું અને 30-30 ફૂટના બે નાનાં મળી કુલ ત્રણ પૂતળાં તૈયાર થયાં છે. જેનું રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દહન કરવામાં આવશે. આ વખતે આ કાર્યક્રમ 12 ઓક્ટોબરને શનિવારે સાંજે 7 વાગ્યે યોજાશે.
- Advertisement -
વધુમાં તેમણે કહ્યું કે, આ વર્ષે રાવણ દહન બાદ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પણ યોજાશે. જેના માટે પૂતળું તૈયાર કરવામાં આવશે. જેમાં ત્રિશૂલ, તલવાર, રાઇફલ સહિતનાં શસ્ત્રોનું પૂજન કરવામાં આવશે. તો આતશબાજી ઉપરાંત લેસર-શોનું પણ આયોજન ચાલુ વર્ષે કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમો એક જ જગ્યાએ યોજાય રહ્યા છે. જેના માટે હાલ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિનીના આગેવાનો તેમજ કાર્યકરો તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.