રાજકોટ અગ્નિકાંડ બાદ જૂનાગઢ મનપાના ભોપાળા બહાર આવ્યા
નિયમો નેવે મૂકીને ધમધમતાં મોલ સહિત પર હવે મનપાની તવાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલ અગ્નિકાંડમાં 30 જેટલા લોકોની જીંદગી હોમાઈ ગયા બાદ હવે જૂનાગઢ મહાનગર પાલિકા ઊંઘ માંથી જાગીને દોડતું થયું હતું અને શહેરમાં એક પછી એક ગેમઝોન, શોપિંગ મોલ, સિનેમા ઘરો સહીત સ્થળો પર ચેકીંગ કરતા વગર ફાયર એનઓસી/બી.યુ સર્ટિફિકેટ ચાલતા બિલ્ડીંગોને સીલ મારવાની કામગીરી શરુ કરવામાં આવી હતી આમ રાજકોટ અગ્નિકાંડ બાદ જૂનાગઢ મનપાના એક પછી એક ભોપાળા બહાર આવવા લાગ્યા છે અને શહેરમાં ગેરકાદેસર ચાલતા બિલ્ડીંગો પર તવાઈ બોલાવની શરૂઆત કરી છે.અત્યાર સુધી તો કઈ ઉકાળ્યું નહિ હવે હાઇકોર્ટની ફટકાર બાદ રીતસર દોડવા લાગ્યા છે અને એક પછી એક જાહેર સ્થળો પર સઘન ચેકીંગ હાથ ધર્યું છે.ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે, અત્યાર સુધી ક્યાં સુતા હતા પેહલા કરવાની કામગીરી હવે શરુ કરી છે.
સફાળી જાગેલી જૂનાગઢ મહાનગર પાલિકાને હવે યાદ આવ્યું કે, શહેરમાં અનેક ગેમઝોન સાથે માર્કેટ મોલ અને સિનેમા સહીત બિલ્ડીંગો જરૂરી મંજૂરી વગર ધમધમતા હતા ત્યારે લોકો પણ સમજી ગયા છે કે, મનપાનું તંત્ર ખાડે ગયું છે.અને હવે શહેરમાં ગેરકાદેસર રીતે ધમધમતા બિલ્ડીગોને સીલ મારવા નીકળી પડ્યા છે.જેમાં છેલ્લા ત્રણ દિવસમાં શહેરના મોલ, હાઇરાઇઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સીનેમાં ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળો સહિતની જગ્યા પર બાંધકામ પરવાનગી બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર, ફાયર એનઓસી તેમજ મહાનગરપાલિકા તરફથી આપવામાં આવતી અલગ-અલગ પરવાનગી બાબતે સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
- Advertisement -
જૂનાગઢ મનપા દ્વારા બે દિવસ પહેલા સુરજ ફન વર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્ક, સુરજ સીનેપ્લેક્ષ અને ગેમર્સ પોઇન્ટ ઉપરકોટ, હોટલ ફર્નની જગ્યામાં મહાનગરપાલિકાની ફાયર એનઓસી સહિત કલેકટર કચેરીનો પરવાનો ન હોય તેના માટે સીલ મારવામાં આવેલ અને ત્યાર બાદ મોલ, સીનેમાં ગૃહો વગેરે સ્થળોની ફાયર એનઓસી તથા ડીયુ પરમીશનની ચકાસણી કરવામાં આવતા વધુ ચાર જગ્યાએ સીલ મારવાની કામગીરી કરવામાં આવેલ જેમાં રિલાયન્સ સુપર માર્કેટ મોતીબાગ રોડ, જયશ્રી સીનેમા તળાવ દરવાજા રોડની આ જગ્યા પર ફાયર એનઓસી તેમજ ડીયુ સર્ટી ફીકેટ ન હોવાના લીધે સીલ મારવામાં આવેલ. તેમજ રિલાયન્સ ટ્રેડન્સ મોલ ઝાંઝરડા બાયપાસ રોડ અને ટીંબાવાડી રોડ પર આવેલ ક્રોમા મોલ આ બંને સ્થળો પર ફાયર એનઓસી ન હોવાનું ઘ્યાને આવતા બંને સ્થળોને સીલ મારવામાં આવેલ અને હજુ પણ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ જાહેર સ્થળો પણ જયા લોકોની વધુ અવર જવર હોય તેવી જગ્યાની ચકાસણી કામગીરી શરૂ રાખવામાં આવી છે અને તંત્રના નિયમ વગર ચાલતા સ્થળોને સીલ મારવામાં આવશે.
ચોમાસું નજીક છે ત્યારે જર્જરિત બિલ્ડિંગોને મનપાની માત્ર નોટિસ
જૂનાગઢ શહેરમાં અનેક જર્જરીત બિલ્ડિંગોે જોવા મળે છે ત્યારે બીજી તરફ ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે એવા સમયે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપવાની કામગીરી કરી રહી છે જેમાં શહેરના કડીયાવાડ પાસે આવેલ વિશાલ ટાવર બિલ્ડીંગ જોખમી હોવાના કારણે નોટીસનું બોર્ડ માર્યુ છે. તેની સાથે હવે વિશાલ ટાવરમાં આવેલી દુકાનો ખાલી કરાવવાની નોટિસો આપી દેવામાં આવી છે. એક તરફ ચોમાસુ નજીક છે ત્યારે શું આવી જોખમી ઇમારનો ચોમાસા પહેલા મહાનગરપાલિકા ઉતરાવી લેશે કે પછી દુર્ઘટના સર્જાય તેની રાહ જોશે.