નવા ફાયર બ્રાઉઝરના લોકાર્પણના બીજા જ દિવસે ઉપયોગનું મુહૂર્ત થઈ ગયું
મોરબી પાલિકાને રાજય સરકારે દિવાળી પર્વમાં આગજનીના બનાવ સમયે ઊપયોગી બની શકે તેવું ફાયર બ્રાઉઝર સોંપ્યુ હતું. હજુ આ બ્રાઉઝરનું પાલિકા પ્રમુખ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યાને 24 કલાક થયા ત્યાં બીજા જ દિવસે આગની ઘટના બનતા નવા સાધનના ઉપયોગનું મુહૂર્ત થઈ ગયું હતું. દિવાળી પર્વ નજીક આવતા આગના બનાવ વધી જતાં હોય છે ત્યારે આ દિવાળી પર્વમાં આગની ઘટનામાં સમયસર પહોંચી આગ બુઝાવી શકાય તે માટે રાજય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને રૂ.1.10 કરોડના ખર્ચે વસાવેલું અને 12 હજાર લીટરની ક્ષમતા વાળું ફાયર બ્રાઉઝર સોંપ્યુ હતું. આ ફાયર બ્રાઉઝરનું હજુ ગુરુવારે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું ને બીજા જ દિવસે તેના ઉપયોગનું મુહૂર્ત પણ આવી ગયું હતું.
- Advertisement -
મોરબી તાલુકાના અદેપર રોડ પર આવેલા બ્રાઉનીયા પેપરમિલમાં વેસ્ટેજ પેપર તેમજ અન્ય કાચો માલ બહાર શેડમાં રાખવામાં આવ્યો હતો તે દરમિયાન કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી. કાગળનો કાચો માલ હોવાથી ગણતરીની મિનિટમાં આગ વિકરાળ બની ગઈ અને આસપાસના બીજા મટીરીયલ સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં મોરબી નગરપાલિકાની ફાયરની ટીમ દોડી ગઈ હતી અને તાત્કાલિક આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. મોરબીમાં છાશવારે આગજનીની ઘટના બનતી હોય છે. શહેરમાં પહેલાથી ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળતો હતો લાંબા સમય બાદ નવા 3 આધુનિક ફાયર બ્રાઉઝરની જરૂરિયાત સામે હાલમાં એક ફાયર સાધન મળ્યું છે.ત્યારે આ નવું ફાયર બ્રાઉઝર શહેરમાં આગજનીના બનાવમાં કેટલું ઉપયોગી બનશે તે ભવિષ્યમાં ખબર પડશે.