ફાયર સેફ્ટીના કારણે વિકરાળ સ્વરૂપ લેતાં પહેલાં આગ પર કાબૂ મેળવાયો: ચેરમેન રજનીભાઈ સંઘાણીએ પૂરું વળતર ચૂકવવાની ખાતરી આપી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
- Advertisement -
હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારના 10:30 વાગ્યાની આસપાસ હરાજી ચાલી રહી હતી ત્યારે મહારાણા પ્રતાપ નામના શેડમાં કપાસના ઢગલામાં અગમ્ય કારણોસર જોતજોતામાં આગ લાગી ગઈ હતી. કપાસના પાંચથી સાત ઢગલામાં આગ લાગતાં માર્કેટિંગ યાર્ડમાં અફરાતફરી મચી ગઈ હતી.
સદભાગ્યે, હળવદ માર્કેટિંગ યાર્ડમાં ફાયર સેફ્ટીની પૂરતી સુવિધા હોવાના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તાત્કાલિક તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, આ ઘટનામાં અંદાજિત 400 થી 500 મણ જેટલો કપાસ બળીને નુકસાન પામ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણીએ તાત્કાલિક ધોરણે જાહેરાત કરી હતી કે, જે પણ ખેડૂતને આ આગના કારણે નુકસાન થયું છે, તે તમામ ખેડૂતોને પૂરેપૂરું વળતર માર્કેટિંગ યાર્ડ તરફથી ચૂકવી દેવામાં આવશે. યાર્ડ દ્વારા ખેડૂતોને વળતર તાત્કાલિક મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.



