4 જેટલા ફાયરફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર આવેલ જામવાડી ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ બાયો ડીઝલના ગોડાઉનમાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ એટલી વિશાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાને લઈને ગોંડલ, રાજકોટ અને જેતપુરના ફાયરફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.
ગોંડલના જામવાડી અને ચોરડી ગામની વચ્ચે આવેલ સોમનાથ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ શિવશક્તિ ટ્રેડર્સ નામના બાયો ડીઝલના ગોડાઉનમાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં ગોડાઉનમાં પડેલ ડીઝલ ભરેલ ટેન્કરમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાની જાણ ગોંડલ ફાયર સ્ટેશનમાં કરતા ગોંડલ નગરપાલિકાના 2 ફાયર, જેતપુર 1 ફાયર અને રાજકોટનું 1 ફાયર ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને ફાયર ફાઈટરો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે.
જામવાડી નજીક આવેલ બાયો ડીઝલના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, નગરપાલિકા ઉપપ્રમુખના પ્રતિનિધિ જયંતીભાઈ સાટોડિયા સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગના બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ગોંડલ પાસે બાયો ડીઝલના ગોડાઉનમાં આગ
