કેનેડાનાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતના લિટ્ટોનમાં ભયાનક આગ: મોટા ભાગનાં ઘર ખાક
ખાસ-ખબર સંવાદદાતા
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં આવેલા લિટ્ટોન નામનું એક નાનું ગામ ભયાનક આગમાં લગભગ ખાક થઈ ગયું હોવાના અહેવાલો મળ્યા છે. સમગ્ર ગામને ભરડામાં લેનારી આગમાં અહીંના મોટા ભાગનાં ઘરો નષ્ટ થયાં છે. લિટ્ટોન ગામ અને એની આસપાસ રહેતા લગભગ 1000 જેટલા લોકો અફરાતફરીમાં પોતપોતાનાં ઘર છોડી અન્યત્ર જતા રહ્યા છે. બુધવારે આ સ્થળે આગને કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, પરંતુ આગની ગંભીરતાનો ખ્યાલ ગુરુવારે આવ્યો હતો. દૂર દૂર સુધી આગની જ્વાળા જોવા મળી હતી. આવી ભયાનક આગ લાગવાનું કારણ ટ્રેનને કારણે થયેલા સ્પાર્કને માનવામાં આવે છે. જોકે હજુ તપાસમાં સ્પષ્ટ કંઈ જાણવા મળ્યું નથી. ઈન્વેસ્ટિગેશન ચાલુ છે. ભયાનક આગને કારણે સર્જાયેલી કટોકટીપૂર્ણ સ્થિતિમાં લોકો રીતસર જીવ બચાવીને સલામત સ્થળે નાસી ગયા હોવાથી તેમના પરિચિતો, સંબંધીઓ તેમની શોધખોળ કરી રહ્યા છે.
- Advertisement -
સરકારી તંત્ર સાથે ગામના રહેવાસીઓની ભાળ મેળવવા માટે સતત સંપર્ક કરી રહ્યા છે. પ્રાંતના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, લિટ્ટોન ગામમાં ખતરનાક આગ લાગ્યા પછી મોટા ભાગનાં ઘર અને અન્ય ઈમારતો નષ્ટ થઈ છે. અહીં લગભગ દરેકે પોતાનું તમામ ગુમાવી દીધું છે.
અહીં સંસદના એક સ્થાનિક સભ્યએ કહ્યું હતું કે ગામમાં લગભગ 90 ટકા જેટલો ભાગ આગમાં ખાક થઈ ગયો છે. લિટ્ટોન ગામના રહેવાસીઓ આગથી બચવા સલામત સ્થળે જતા રહ્યા છે. તેમનાં પરિવારજનો તેમની ભાળ મેળવવા માટે સોશિયલ મીડિયા પર પણ સતત પોસ્ટ મૂકી રહ્યા છે, જેથી તેમને કોઈ માહિતી મળી શકે. લોકોને સતત આ ગામમાં રહેતા પોતાનાં પરિવારજનોની તથા અન્ય મિત્રો તો ઘણાને પાળીતાં પ્રાણીઓની ચિંતા સતાવી રહી છે.
અહીંના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર માઈક ફાર્નવર્થે કહ્યું હતું કે આગ પછી ગામમાંથી જતા રહેલા લોકોની ચોક્કસ સંખ્યા હજુ મળી નથી. એવી જ રીતે જાનહાનિ થઈ છે કે કેમ એની પણ સ્પષ્ટ માહિતી હજુ સુધી મળી શકી નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ પ્રદેશમાં લાગેલી આગમાંથી આ સૌથી ભયાનક આગ છે. રાહત અને બચાવ કાર્ય માટે ફાયરબ્રિગેડ સહિતનાં વાહનોનો કાફલો અહીં પહોંચ્યો છે. આગ લાગવા પાછળ ટ્રેનનો સ્પાર્ક જવાબદાર હોવાનું હાલ તો માનવામાં આવી રહ્યું છે.