12 હજાર લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો,સદનસીબે કોઈ જાનહાનિ નહીં
બિલ્ડિંગની ઉપર રહેણાંક હોવાથી ફાયર વિભાગે 20 જેટલા લોકોને નીચે ઉતારી જીવ બચાવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3
વેરાવળના એસટી રોડ પર આવેલ રિધ્ધિ સિધ્ધિ કોમ્પલેક્ષના પહેલા માળે આવેલ ઓફિસમાં શનિવારે સમી સાંજે અચાનક લાગી આગ હતી.પાલિકાના પ્રમુખના પ્રતિનિધિ જયદેવ જાનીએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના જમાદાર સુનિલ ચુડાસમા, ફાયરમેન કેતન વાળા, રોહિત વંશ, જીતેશ પરડવા,જીતેન્દ્રસિંહ ગોહિલ, હરપાલ ખેર, ભૌમિક પરમાર સહિતનો સ્ટાફ મીની ફાઇટર અને બાઊઝર સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને 12 હજાર લિટર જેટલો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો.આગ લાગવાને કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જેના પગલે પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યો અને ટ્રાફિક પર કાબુ મેળવ્યો હતો.જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આર્કિટેક્ટની ઓફિસ હતી જેમાં દીવો કરવામાં આવ્યો હતો અને આ દીવા સાથે ઉંદર અથડાતા નીચે પડેલ પસ્તીના થપ્પામાં આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રિધ્ધિ સિધ્ધિ કોમ્પલેક્ષના ઉપરના માળે રહેણાંક મકાનો હોવાથી ફાયર વિભાગના સ્ટાફે 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત નીચે ઉતર્યા હતા જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.



