વ્યાજખોરો સામે ગુજરાત પોલીસ એકશનમાં
મુદ્દલ અને તગડું વ્યાજ ચૂકવ્યાં બાદ પણ કરજદારો વ્યાજનાં ‘વિષચક્ર’માં પાયમાલ
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વ્યાજખોરો સામે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસે દરેક મોટાં શહેર અને જિલ્લા – તાલુકા મથકોમાં લોક દરબાર યોજી કરજદારોને વ્યાજખોરોની કનડગત સામે ફરિયાદ નોંધાવવા માટે આહવાન કરતા બે સપ્તાહમાં જ 500થી વધુ વ્યાજખોરો સામે ફરિયાદ થઈ છે. જ્યારે 643 લોકો સામે ગુના દાખલ થયા છે અને 468થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સેંકડો લોકોએ વ્યાજખોરોના આતંક વિશે ભીની આંખે પોલીસને રજૂઆત કરી હતી.
- Advertisement -
મોટાભાગની ફરિયાદોમાં જણાયું હતું કે કરજદારે નક્કી થયા મુજબ ઊંચું વ્યાજ અને મુદ્દલ રકમ ચૂકવી દીધા પછી પણ વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી હતી. આવા કેટલાક કિસ્સામાં પીડિતોએ આપઘાત કર્યા હોવાની, ક્યાંક કરજદારોની પત્નીઓનો ઉપભોગ કર્યો હોવાની કે તેમની માલમિલકત પડાવી લેવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે.
અમુક કિસ્સામાં તગડું વ્યાજ ઉઘરાવાનારા બીજા કોઇ નહીં પરંતુ પોલીસના સાગરિતો કે રાજકારણીઓની સંડોવણી પણ બહાર આવી છે.