છેલ્લાં બે દિવસમાં આપણે કેનેડા, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને બ્રિટન ભણવા જવા માંગતા કે ત્યાં સેટલ્ડ થવા માંગતા ભારતીયો માટે રેડ સિગ્નલ કે ઑરેન્જ સિગ્નલ દર્શાવતી વાતો કરી. આ નાનકડી લેખમાળાનો આજે છેલ્લો એપિસોડ છે અને તેમાં કેટલીક પોઝિટિવ વાતો કરવાની છે.
કહેવાય છે કે, ઈશ્ર્વર એક દ્વાર બંધ કરે તો બે દ્વાર ખોલે પણ છે. આજે એ જ દ્વારની વાત કરવાની છે. કેનેડા, અમેરિકા, ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા હવે ભારતીયો માટે બહુ અનુકૂળ રહ્યાં નથી અને ભારતીય સહિતનાં બહારનાં લોકો ત્યાં અળખામણા થઈ રહ્યાં છે તો બીજી તરફ કેટલાંક દેશો ભારતીયો માટે રેડ કાર્પેટ પણ બીછાવી રહ્યાં છે અને આ બધાં દેશો સુખી-સમૃદ્ધ છે. પ્રથમ દેશ છે: જાપાન. હજુ હમણાં જ જાપાન-ભારત વચ્ચે કરાર થયો છે જે મુજબ આવનારા પાંચ વર્ષમાં પાંચ લાખ ભારતીયોને જાપાનમાં જોબ આપવામાં આવશે.
- Advertisement -
જર્મની પણ ક્વૉલિફાઈડ ભારતીયોને હરખભેર આવકારી રહ્યું છે. ખાસ કરીને આઈ.ટી. અને એન્જિનિયરિંગના નિષ્ણાંતો માટે જર્મનીમાં ખૂબ સારા સ્કોપ છે. સ્કેન્ડેનેવિયન દેશ ફિનલેન્ડમાં માસ્ટર્સ ડીગ્રી ધરાવતાં લોકો માટે નોકરીની ઉજ્જવળ તકો છે અને એ વિઝા માટે ફિનલેન્ડ એકદમ પોઝિટિવ છે.
એકદમ મોડર્ન ગણાતાં તાઈવાનમાં પણ અત્યારે મેનપાવર ક્રાઈસિસ છે. ભારતીયો માટે ત્યાં પણ દરવાજા ખૂલ્લાં છે. તાઈવાનનાં મેન્યુફેકચરિંગ સેકટરમાં મેનપાવરની ભયંકર અછત છે.
ચારેય દેશોમાં સેલરી-વળતર પણ ખૂબ ઊંચું છે. જર્મનીમાં ક્વૉલિફાઈડ વ્યક્તિને છ લાખ (ભારતીય) રૂપિયા જેવી રકમ સ્હેજે મળી રહે છે. નર્સને ચારેક લાખ મળે છે. આઈ.ટી. સેકટરમાં મહિને છ લાખથી દસ લાખ સુધી વળતર મળી શકે છે.
જાપાનમાં લાયકાત મુજબ પાંચ લાખથી પચાસ લાખ, ફિનલેન્ડમાં વાર્ષિક ચાલીસથી પચાસ લાખ સુધીની સેલરી છે.
મજાની વાત એ છે કે, આ તમામ દેશોમાં અમેરિકા-કેનેડા જેવાં અને જેટલાં દૂષણો નથી. તાઈવાનને બાદ કરતાં બાકીનાં ત્રણેય દેશો પ્રાકૃતિક દૃષ્ટિએ સુંદર અને સમૃદ્ધ છે. ફિનલેન્ડ દુનિયાનો પ્રથમ ક્રમાંકનો પ્રદૂષણમુક્ત દેશ છે, ત્યાંના શિક્ષણનું સ્તર વિશ્ર્વમાં પ્રથમ નંબરે છે. જો કે, જર્મની-ફિનલેન્ડ કે જાપાન જેવાં દેશોમાં જવા ત્યાંની ભાષા શીખવી જરૂરી છે.
- Advertisement -
જર્મન, જાપાનીઝ, ફિન્નિશ, ડેનિશ ભાષાનાં કોર્સ હવે દરેક મોટાં શહેરોમાં અને ઑનલાઈન પણ થાય છે. આપણું ભણતર ભાષા શીખવાથી જ શરૂ થાય છે, નવી કરિઅર ઓપર્ચ્યુનિટી માટે પણ ઝડપભેર નવી ભાષાઓ શીખવા માંડો.



 
                                 
                              
        

 
         
         
        