ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં સતત વરસાદને પગલે મોટાભાગના માર્ગોનું ધોવાણ થઈ ગયું હતું તેમજ મોરબીના શનાળા બાયપાસથી લઈ નટરાજ ફાટક અને મોરબી પીપળી રોડ તેમજ મોરબી હળવદ રોડની બદતર હાલત થઈ ગઈ હતી જેથી સરકારે વરસાદમાં ખરાબ થયેલા માર્ગોના રીપેરીંગનો આદેશ આપતા માર્ગ મકાન વિભાગે અલગ અલગ ટિમો બનાવી પોતાની હસ્તકના ખરાબ થયેલા માર્ગોનું રીપેરીંગ હાથ ધર્યું છે.મોરબી શહેરના મુખ્ય માર્ગ એવા ત્રાજપર ચોકડીથી ઉમિયા સર્કલ સુધીના રોડ પર અનેક વિસ્તારોમાં મસમોટા ગાબડા પડી ગયા છે જેના કારણે રસ્તા પર ડામર ઓછો અને વધુ ખાડાનો અનુભવ થઈ રહ્યો છે. મોરબી શહેરના મુખ્ય માર્ગો જાણે ગ્રામ્ય વિસ્તારોના ગાડા માર્ગ હોય તેવા બની જતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે જાણે માર્ગ મકાન વિભાગને લોકો પર દયા આવી હોય તેમ માર્ગોના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં છે અને શહેરના મુખ્ય માર્ગ એવા શનાળા રોડ પર માટીના બદલે ડામરથી ખાડા બુરવાની કામગીરીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. બુધવારે મોડી રાત્રે માર્ગ મકાન વિભાગે નવા બસ સ્ટેશનથી ઉમિયા સર્કલ સુધી તેમજ હળવદ રોડ, પીપળી રોડ પર ડામરથી પેચવર્ક કરવાની કામગીરી હાથ ધરી હતી. આ પેચવર્ક કામગીરીમાં કામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ આદ્રોજા દ્વારા સતત કામગીરીના સ્થળ પર રહીને નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મોરબીના ભક્તિનગર સર્કલ શનાળા બાયપાસથી લઈ નટરાજ ફાટક સુધીના રોડ ઉપર પડેલા ખાડાનું બે-ત્રણ દિવસમાં અને પીપળી તેમજ હળવદ રોડના તમામ ખાડા ઉપર ડામરથી સમારકામ કરી આગામી દસ દિવસમાં આ કામ પૂરું કરી દેવાશે તેમજ વરસાદની સિઝન પુરી થયા બાદ રોડ રસ્તા વ્યવસ્થિત કરાશે તેમ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાએ
જણાવ્યું હતું.
અંતે તંત્ર જાગ્યું : મોરબીનાં શનાળા, પીપળી, હળવદ રોડ પર પેચવર્ક શરૂ
