ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢના તમામ સાધુ-સંતો, સનાતની હિન્દુ સમાજ અને ધર્મપ્રેમી જનતા વતી ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આપશ્રીના વહીવટી તંત્ર દ્વારા, સુરક્ષાના કારણોસર જૂનાગઢ જિલ્લાના 37 જેટલા સ્થળો પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી, જેનો હેતુ લોકોનું હિત જાળવવાનો હતો, જેને અમે આવકારીએ છીએ.
જોકે, આ યાદીમાં જૂનાગઢના સુપ્રસિદ્ધ અને પવિત્ર દામોદર કુંડનો સમાવેશ થતા વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજમાં ભારે વ્યથા અને દુ:ખની લાગણી પ્રસરી હતી. દામોદર કુંડ એ આદિ અનાદિ કાળથી સનાતની હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. શ્રાવણ માસ અને ત્યાર પછી આવતા પિતૃમાસ (ભાદ્રપદ માસ) દરમિયાન અહીં સ્નાન કરવાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ હોય છે. દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન માટે અહીં આવે છે, અને અત્યાર સુધી વહીવટી તંત્ર દ્વારા તેની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી. આ સંવેદનશીલ મુદ્દાને ધ્યાનમાં લઈને અને હિન્દુ સમાજની લાગણીઓને માન આપીને, દામોદર કુંડને પ્રવેશબંધીના આદેશમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણય બદલ અમે આપની અતિ સંવેદનશીલતા અને સક્રિયતાની સરાહના કરીએ છીએ. આપનો આ નિર્ણય શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું જતન કરનારો અને પ્રશંસનીય છે.