કુલ 75 દિવસના ચૂંટણી અભિયાનનો શનિવારે અંત: વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોનું ભાવિ કેદ થશે: અનામત, મંગલસુત્ર, બંધારણ સહિતના મુદ્દા ગાજતા રહ્યા
દેશમાં લોકસભાની ચૂંટણીમાં છેલ્લા તબકકા માટે આવતીકાલ તા.1ના રોજ આઠ રાજયોની 57 બેઠકો પર મતદાન થવાનું છે. આ તબકકામાં કુલ 904 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ત્રીજી વખત પણ વડાપ્રધાન બનવાની તૈયારી કરતા નરેન્દ્રભાઈ મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે તે કારણે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ સૌથી વધુ ગરમ છે.
- Advertisement -
મતદાન બાદ તા.4ને મંગળવારે મતગણતરી થશે અને આગામી પાંચ વર્ષ દેશમાં કોણ શાસન કરશે તેનો લોક ચુકાદો જાહેર થશે. અઢી મહિના સુધી ચાલેલી લોકસભાની ચૂંટણીના પરિણામનો જોરશોરનો પ્રચાર ગઈકાલે ગુરૂવારે સાંજે છ વાગ્યે પુરો થયો છે. આ વખતે ભયંકર ગરમી વચ્ચે અને બેફામ રાજકીય આક્ષેપો વચ્ચે લોકોએ મતદાન કર્યુ છે. હવે કાલે આઠ રાજયો, ચંદીગઢ સહિત 57 બેઠક માટે મતદાન થશે તો ઓરીસ્સા વિધાનસભામાં 42 બેઠક માટે મતદાન છે. પ્રચાર અભિયાનમાં ભાજપના નેતૃત્વ વાળા ગઠબંધને કોંગ્રેસ અને વિપક્ષી દલોના ઈન્ડિયા સમુહ પર પરિવારવાદ, તૃષ્ટીકરણ અને ભ્રષ્ટાચાર મામલે આક્ષેપોનો વરસાદ કર્યો હતો. તો વિપક્ષે સરકાર ઉપર ભ્રષ્ટાચાર, ધાર્મિક વિભાજનની રાજનીતિ અને વિપક્ષી નેતાઓ સામે તપાસ એજન્સીઓના દુરઉપયોગના આક્ષેપ કર્યા હતા.
ચૂંટણી પ્રચાર પુરો થતા પૂર્વે વડાપ્રધાને હોશીયારપુરમાં ચૂંટણીસભા સંબોધી હતી. કેન્દ્રશાસિત ચંદીગઢની એક બેઠક પર જ મતદાન છે. ઓરીસ્સામાં 147 પૈકી છેલ્લા તબકકામાં 42 બેઠક પર જનતા દલ (બીજુ), ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટકકર છે. શનિવારના છેલ્લા મતદાનમાં 57 બેઠકો માટે 2105 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની મુદત બાદ 904 ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા. લોકસભાની 543 બેઠકમાંથી 486 પર મતદાન અગાઉ થઈ ગયું છે. પ્રથમ તબકકામાં 102 બેઠક પર 66.14, આ બાદ 88 બેઠક પર 66.71, 93 બેઠક પર 65.68, 96 બેઠક પર 67.71, 49 બેઠક પર 62.20, 58 બેઠક પર 63.37 ટકા મતદાન નોંધાયું હતું.
ભાજપનો પ્રચાર એજન્ડા અબ કી બાર ચાર સો પાર અને નવા રોડમેપ પર રહ્યો હતો. તો કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, બંધારણ બચાવોના નારા લગાવ્યા હતા. લોકો વચ્ચે રહેવા રાહુલ ગાંધીએ તેનો જુનો અંદાજ ચાલુ રાખ્યો હતો. છતા બન્ને પક્ષોએ ભીષણ ગરમીમાં મતદાન વધારવા દોડાદોડી કરવી પડી હતી. મંગલસુત્રથી લઈને ઘુષણખોરી, અનામત, જેવા મુદ્દા ગાજતા રહ્યા હતા. પાકિસ્તાન, ચીન અને શ્રીલંકા સુધી આ ચૂંટણીની ચર્ચાઓ ચાલી હતી. અમેરિકામાં પણ ભારતની ચૂંટણીની ચર્ચા છે.
- Advertisement -