પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
કોમલ હૈ કમઝોર નહી તું, શક્તિ કા નામ હા નારી હૈ;
જગ કો જીવન દેને વાલી, મૌત ભી તુજસે હારી હૈ.
-ઇન્દિવર
- Advertisement -
આનવરાત્રીનો તહેવાર ચાલે છે અને મા શક્તિની આરાધના ચારેબાજુ થઈ રહી છે તેવામાં અમુક ફિલ્મો જે જોયેલી છે તે યાદ આવી ગઈ. નારી સશક્તિકરણ અને સ્ત્રીઓના મહત્વ પર આધારિત એવી ફિલ્મો એકમેકથી સાવ ભિન્ન છે.
ગેમ ઓવર:
અશ્વિન સરાવનન દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું લેખન પણ તેઓએ પોતાની પત્ની કાવ્ય રામકુમાર સાથે મળીને કર્યું છે. ફિલ્મમાં તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની સ્ટોરી કૈક આમ છે: ભૂતકાળની એક ઘટનાથી આઘાતગ્રસ્ત તાપસી એક ટેટૂ કરાવે છે અને તેની સાથે તેને કૈક અજીબોગરીબ અનુભવો થવા લાગે છે. ભૂતકાળની ભૂતાવળ તેનો પીછો છોડતી નથીને ’ દૂબળા ઢોરને ઝાઝી બગાઓ ’ ની જેમ કોઈ અજાણ્યો શખ્સ તેનો પીછો કરતો રહે છે. છેલ્લે બને છે કે એવું તાપસી અને તેનું ધ્યાન રાખનાર તેના અમ્મા બંને પોતાના ઘરમાં કેદ થઈ જાય છે અને બહાર હોય છે ત્રણ – ત્રણ બર્બર હત્યારાઓ. તો પછી શું બને? તે ટેટુનું શું મહત્વ હોય? તાપસી તે ટ્રોમામાંથી બહાર કેવી રીતે આવે? આ બધા પ્રશ્નોના જવાબ માટે ફિલ્મ જોવી રહી. રોન ઈથન યોહાનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ જોરદાર માહોલ જમાવે છે. વાર્તામાં ભૂતકાળની ઘટનાથી લાગેલો તીવ્ર આઘાત, પીડિતાને ધરાર દોષી ઠરાવવાની સમાજની માનસિકતા, નારી સશક્તિકરણ જેવા મુદ્દાઓ બખૂબી આવરી લેવાયા છે.
નો વન કિલ્ડ જેસિકા:
મુંબઈની બાર ડાન્સર જેસિકા લાલની હત્યા પર આધારિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે રાણી મુખર્જી અને વિદ્યા બાલન. રાજકુમાર ગુપ્તાએ લેખન અને નિર્દેશનની બેવડી જવાબદારી નિભાવી છે. સટયઘટના પર આધારિત હોવાથી ફિલ્મને શક્ય એટલી વાસ્તવિક રાખવામાં આવી છે. જેસિકા લાલની નાની બહેનની ભૂમિકામાં વિદ્યા બાલને જીવ રેડી દીધો છે તો મર્દાની ફિલ્મ પહેલાના આ ઇન્સ્પેક્ટરના રોલમાં રાણી ધાણીફૂટ સંવાદો બોલી છે. ફિલ્મ કેટલાક શૂળની જેમ ખૂંચતા પ્રશ્નો આપણી સામે ધરે છે: શા માટે આ દેશમાં ન્યાય વ્યવસ્થા પૈસાદારો એમ રાજકારણીઓના જ હાથમાં હોય છે? શા માટે ન્યાય મેળવવામાં હંમેશા વાર જ લાગે છે? શા માટે કેટલાક માણસોને મન અન્યોનું જીવન કોડીના મૂલ્ય જેટલું હોય છે? અમિત ત્રિવેદીના ઇલેક્ટ્રિફાઈંગ સ્કોરથી સજ્જ આ લીગલ ડ્રામા કમ થ્રીલર અચૂક જોવા જેવી છે.
વિરામ:
જો પુરુષ આ દુનિયાને ટકાવી રાખતું અસ્થિતંત્ર હોય તો સ્ત્રી આ દુનીયારૂપી શરીરને જીવંત રાખતું રુધિર છે.
- Advertisement -
ઈંગ્લીશ વિંગ્લીશ:
ડાર્ક ફિલ્મો બહુ જોઈ લીધી, હવે કૈક રીફ્રેશિંગ, લાઈટ મૂડ ધરાવતી ફિલ્મ વિશે વાત કરીએ. પ્રતિભાશાળી નિર્દેશક એવા આર. બાલ્કીના પત્ની ગૌરી શિંદે દ્વારા લિખિત અને નિર્દેશિત એવી ફિલ્મમાં શ્રીદેવીએ 15 વર્ષ પછી ફિલ્મી પડદે પુનરાગમન કરેલ અને એ પણ કેવું? ઘણાબધા વિવેચકોના મતે આ તેના સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સમાંથી એક છે. તેના સિવાય બાકી બધા કલાકારોનો અભિનય પણ લાજવાબ છે. ફિલ્મની વાર્તા તો સાવ સરળ છે: શ્રીદેવી એક મધ્યમવર્ગીય ગૃહિણી છે અને એટલે જ એક આદર્શ ગૃહિણીના તમામ લક્ષણો તેનામાં છે. તેથી હમેંશા બને છે તેમ તે ઘરમાં ’ટેકન ફોર ગ્રાન્ટેડ’ જ થઈ જાય છે તેના પતિ અને બધા સભ્યોના મનમાં પણ. શ્રીદેવી હા એ તેના પતિને નીરસ લાગવા માંડી છે. તેની લાડુ બનાવવાની આવડત તેના પતિને સાવ સામાન્ય લાગે છે. તેમાં સંજોગવશાત આખા પરિવારને વિદેશ જવાનું થાય છે અને શ્રીદેવીની પનારો પડે છે અત્યારના સમયની અનિવાર્યતા એવી અંગ્રેજી ભાષા સાથે. તેણીએ આ ભાષા ફરજિયાત શીખવી પડે છે. ઘરમાં બનતી ગુજરાતી થાળી જેવી સંપૂર્ણ અને પૌષ્ટિક આ ફિલ્મ માત્ર શ્રીદેવીના ચાહકો જ નહિ પણ સીનેમાપ્રેમીઓ માટે પણ મસ્ટવોચ છે. અગેઈન, આ ફિલ્મમાં અમિત ત્રિવેદીએ ખૂબ જ સરસ સંગીત આપ્યું છે. તો, આ નવરાત્રીએ આ બધી ફિલ્મોની મદદથીસ્ત્રીઓને એક નવા દૃષ્ટિકોણથી પુરુષો જુએ, સ્ત્રીઓ પોતાની આંતરિક શક્તિને સમજે એવી માતાજીને પ્રાર્થના. બધાને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.
પૂર્ણાહુતિ:
યા દેવી સર્વભૂતેષૂ શક્તિરૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ: