લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 16 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ આ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શોના નિર્માતા વિશેના અસંખ્ય વિવાદો હેડલાઈન્સમાં આવ્યા છે. ત્યારે હવે ફરી એક વખત આ શો વિવાદોમાં આવ્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી અને શો ના પ્રોડ્યુસર અસિત મોદી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.
દિલીપ જોશીએ અસિત મોદીનો કોલર પકડી લીધો હતો
- Advertisement -
પ્રાપ્ત માહિતી પ્રમાણે એક્ટર દિલીપ જોશીએ પ્રોડ્યુસર પાસે કેટલાક દિવસની રજા માગી હતી પરંતુ તેમણે આ વાત પર ધ્યાન ન આપ્યું અને તેને નજરઅંદાજ કરી. આ કારણોસર એક્ટર અને પ્રોડ્યુસર વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો હતો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. દિલીપ જોશીએ અસિત મોદીનો કોલર પકડી લીધો હતો. બીજી તરફ હવે દિલીપ જોશીએ એક નિવેદન જારી કરીને આ તાજેતરની ખબરોને ખોટી ગણાવી છે.
દિલીપ જોશીએ જણાવ્યું કે, જ્યારે પણ આવા વિવાદો સામે આવે છે ત્યારે સતત આવી સ્થિતિ પર વાત કરવી નિરાશાજનક બની જાય છે. હું માત્ર ચારેય બાજુ ચાલી રહેલી અફવાઓ અંગે સ્પષ્ટ કરવા માગુ છું. મારા અને અસિત ભાઈ વિશે મીડિયામાં કેટલીક સ્ટોરી ચાલી રહી છે જે સંપૂર્ણપણે ખોટી છે અને આવા અહેવાલો જોઈને ખરેખર મને દુ:ખ થાય છે.
હું ક્યાંય જવાનો નથી………
- Advertisement -
દિલીપ જોશીએ આગળ કહ્યું કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે મારા અને લાખો ચાહકો માટે ઘણો મહત્વપૂર્ણ છે અને જ્યારે લોકો પાયાવિહોણી અફવાઓ ફેલાવે છે, ત્યારે તે માત્ર અમને જ નહીં પરંતુ અમારા વફાદાર દર્શકોને પણ ઠેસ પહોંચાડે છે. કોઈ વસ્તુ વિશે નકારાત્મકતા ફેલાયેલી જોવી નિરાશાજનક છે.’
આ ઉપરાંત એક્ટરે કહ્યું કે, ‘અગાઉ પણ હું શો છોડી રહ્યો છું એવી અફવાઓ ફેલાવવામાં આવી હતી, પરંતુ આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે. દર થોડા અઠવાડિયે નવી-નવી સ્ટોરીઓ બહાર આવે છે જે અસિત મોદીની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરે છે.’ દિલીપ જોશીએ કહ્યું કે, ‘આવા વલણો માત્ર નિરાશાજનક નથી, પરંતુ એ વિચારવા માટે પણ મજબૂર કરે છે કે, શું કેટલાક લોકો શોની સફળતાને નફરત કરે છે. મને નથી ખબર કે, આ અફવાઓ ફેલાવવા પાછળ કોનો હાથ છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માગુ છું કે, હું અહીં જ છું, હું દરરોજ શો માટે એ જ પ્રેમ અને ઝૂનૂન સાથે કામ કરી રહ્યો છું અને હું ક્યાંય નથી જવાનો. હું શો નો હિસ્સો બની રહીશ.’