– ભારતમાં જ યોજાશે અંડર-17 મહિલા વર્લ્ડકપ
FIFAએ અખિલ ભારતીય ફુટબૉલ મહાસંઘ(AIFF) પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. ત્રીજા પક્ષના હસ્તક્ષેપના કારણે પ્રતિબંધ લાગ્યો હતો.
- Advertisement -
ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ એસોસિએશન ફુટબૉલ(FIFA)એ ઑલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ હવે આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવ્યો હતો અને આ પ્રતિબંધને હટાવી લેવાયો છે.
ભારતમાં જ યોજાશે અંડર-17 મહિલા વર્લ્ડ કપ
ફીફાએ એઆઈએફએફમાં ત્રીજા પક્ષના હસ્તક્ષેપના કારણે પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ એઆઈએફએફમાં સંચાલનમાં થઇ રહેલા ફેરફારના કારણે આ પ્રતિબંધ હટાવી દીધો. હવે ઓક્ટોબરમાં યોજાનારા અંડર-17 મહિલા વર્લ્ડકપની હોસ્ટિંગનો ભારતનો અધિકાર પણ યથાવત રહેશે.
ત્રીજા પક્ષના હસ્તક્ષેપના કારણે લાગ્યો હતો પ્રતિબંધ
- Advertisement -
આ પહેલા એઆઈએફએફ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ફીફાએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ત્રીજા પક્ષના વધુ પડતા હસ્તક્ષેપના કારણે અખિલ ભારતીય ફુટબૉલ મહાસંઘને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવાયો હતો. ફીફાએ એમ પણ કહ્યું હતું કે, આ પ્રતિબંધ ત્યારે હટાવવામાં આવશે જ્યારે એક સાથે કામ કરવાનું શરૂ કરીશું.
પ્રફુલ્લ પટેલના કારણે શરૂ થયો હતો સમગ્ર વિવાદ
ભારતીય ફુટબૉલમાં આ તમામ વિવાદ એઆઈએફએફના અધ્યક્ષ રહેલા પ્રફુલ્લ પટેલના કારણે શરૂ થયો. પ્રફુલ પર વગર ચૂંટણીએ સમય પૂરો થયા બાદ પણ પ્રેસિડેન્ટની ખુરશી પર બેસવાનો આરોપ લાગ્યો હતો. પ્રફુલ પટેલનો કાર્યકાળ વર્ષ 2009થી શરૂ થયો અને 2020માં ખતમ થયો. તેમ છતા તેઓ ખુરશી પર બેઠેલા રહ્યા.
સમગ્ર મામલે ફરિયાદ પહોંચી હતી સુપ્રીમ કોર્ટ
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે ફરિયાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઇ હતી. કોર્ટમાં મે 2022માં સમગ્ર બોર્ડે હટાવી દેવાયું અને એક નવા બંધારણ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ પહેલા કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં સત્તાધિશોની સમિતિના કાર્યકાળને સમાપ્ત કરવાનો આગ્રહ કર્યો અને આદેશ આપ્યા કે અખિલ ભારતીય ફુટબૉલ મહાસંઘના દરરોજના સંચાલનની દેખભાળ કાર્યવાહક મહાસચિવના નેતૃત્વમાં એઆઈએફએફ તંત્ર દ્વારા કરવામાં આવશે.