રોડ રસ્તા તણાઈ ગયા ધારાસભ્ય ખોવાઈ ગયાના નારા લગાવી હિસાબ માગ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
વિવિધ માગણીઓને લઈને આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી નગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ ધરણા પર બેસીને રામધૂન પણ બોલાવી હતી અને જ્યાં સુધી જવાબદાર અધિકારી કે પદાધિકારી તેમની રજૂઆત સાંભળશે નહીં ત્યાં સુધી પાલિકા કચેરીમાં જ બેસીને વિરોધ કરશે તેમ જણાવ્યું હતું.
- Advertisement -
મહત્વનું છે કે, મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આવાસ યોજનાના કામોનો હિસાબ, 45 ડી હેઠળના થયેલા કામો, ભૂગર્ભ ગટરના કરેલા કામો અને નંદી ઘરનો હિસાબ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે માગવામાં આવ્યો હતો. પરંતુ કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે આજદિન સુધી પાલિકા દ્વારા એકપણ મુદ્દે હિસાબ કે માહિતી આપવામાં આવી નથી. જેથી આજે કોંગ્રેસ દ્વારા પાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને નારેબાજી કરવામાં આવી હતી. જેમાં હિસાબ આપો હિસાબ આપોના નારાઓ લગાવ્યા હતા. સાથે જ રોડ રસ્તા તણાઈ ગયા ધારાસભ્ય ખોવાઈ ગયા.ના નારાઓ પણ લગાવાયા હતા. જો કે કોંગ્રેસની રજૂઆત સાંભળવા પાલિકા કચેરીમાં ચીફ ઓફિસર સહિતના જવાબદારો હાજર ન હોય કોંગ્રેસના નેતાઓએ બેસીને રામધૂન બોલાવી હતી અને જ્યાં સુધી જવાબદારો તેમની રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી કચેરીમાં જ બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ વિરોધ પ્રદર્શનમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડિયા, મનોજભાઈ પનારા, જયેશભાઈ કાલરીયા, જિલ્લા પંચાયતના સભ્ય નયનભાઈ અઘારા સહિતના કોંગ્રેસના નેતા અને કાર્યકરો ઉપસ્થિત
રહ્યા હતા.